(એજન્સી) કોલકાતા, તા. ૪
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરૂવારે જણાવ્યું હતું કે, જો વડાપ્રધાન મોદી ફરી ચૂંટાઇ આવશે તો આ ચૂંંટણી દેશની છેલ્લી ચૂંટણી હોઇ શકે છે. કૂચબિહારમાં એક સભાને સંબોધતા મમતા બેનરજીએ પીએમ મોદી પર નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર અંગે પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, દેશમાં કોણ રહેશે અથવા જશે તે નક્કી કરનારા તેઓ કોઇ નથી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી જો ફરી સત્તામાં આવશે તો તેઓ બંધારણને ફગાવી દેશે અને દેશને લોકશાહીના સ્થાને એક જ વ્યક્તિ પર કેન્દ્રીત દેશ બનાવી દેશે. તેમણે કૂચબિહારની રેલીમાં કહ્યું કે, મોદીના ત્રણ નારા છે લૂંટ, તોફાનો અને હત્યા.
મમતા બેનરજીએ કહ્યું કે, એ તૃણમુલ કોંગ્રેસની જ સરકાર હતી જેણે બાંગ્લાદેશ સાથે ૨૦૧૫માં છ દશકો સુધી ચાલેલા વસ્તીઓના મુદ્દાનું સમાધાન કાઢ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપે નાગરિકતા(સંશોધન) અધિનિયમ દ્વારા દેશના કાયદેસર નાગરિકોને શરણાર્થી બનાવવાના પ્રયાસ કર્યા છે. તૃણમુલ કોંગ્રેસ ક્યારેય રાષ્ટ્રીય નાગરિક નોંધણી(એનઆરસી)ને પરવાનગી આપશે નહીં. મોદી કોણ છે જે નક્કી કરે કે કોણ દેશમાં રહેશે અને કોણ નહીં રહે. તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ દેશના કાયદેસર નાગરિકોને શરણાર્થી બનાવવાનું વધુ એક ષડયંત્ર છે. આપણે ભાજપના ભયાનક ષડયંત્રથી સાવધાન રહેવું પડશે. મમતાએ મૈં ભી ચોકીદાર અભિયાન અંગે મોદીની મજાક કરતા કહ્યું કે, ૨૦૧૪ દરમિયાન કરાયેલા વાયદા પૂર્ણ કરવામાં નિષ્ફળ ‘ચા વાળા’ હવે લોકોને મૂર્ખ બનાવવા માટે ‘ચોકીદાર’ બની ગયા છે.