(એજન્સી) તા.૧૦
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તથા તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ આરોપ મૂક્યો હતો કે જંગીપુર લોકસભા મતવિસ્તમાંથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે અભિજીત મુખર્જીને જીતાડવા માટે રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘ(આરએસએસ) મદદ કરી રહ્યું છે. અભિજીત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર છે. મમતાએ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ભાજપ સામે લોકસભાની અનેક સીટો પર ગુપ્ત સમાધાન કરવાનો પણ આરોપ મૂક્યો હતો. જ્યારે સંઘે મમતાના આરોપોને પાયાવિહોણાં ગણાવ્યા હતા. સંઘે કહ્યું કે ચૂંટણીમાં પરાજય સુનિશ્ચિત જોઈ હતાશામાં મમતા બેનરજી આવા આરોપો લગાવી રહ્યાં છે.
મમતાએ દિનાજપુરના ચોપડા વિસ્તરમાં બુધવારે ચૂંટણીસભામાં આરોપ મૂક્યો હતો કે બહરામપુર લોકસભા મતવિસ્તારથી કોંગ્રેસ ઉમેદવાર અધીર રંજન ચૌધરીને જીતાડવા માટે પણ સંઘના સ્વયંસેવકો કામ કરી રહ્યાં છે. મમતાએ કહ્યું કે અમારું મિશ્ન ભાજપને પશ્ચિમ બંગાળથી બહાર કરવાનો છે. હું તમને જણાવવા માગીશ કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ગુપ્ત રાજકીય તાલમેલ છે. બંનેમાં કોઈ અંતર નથી. બીજી બાજુ આરએસએસના દક્ષિણ બંગાળ પ્રાંતના કાર્યવાહ જિષ્ણુ બસુએ મમતા બેનરજી પર આરોપ મૂક્યો હતો કે મમતા આ પ્રકારના આરોપો લગાવીને ચૂંટણીમાં મતોનું ધ્રૂવીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તે હતાશામાં આવી વાતો કરી રહ્યાં છે. તેમને ચૂંટણીમાં હાર સુનિશ્ચિત દેખાઈ રહી છે. સંઘ લોકોના કલ્યાણ માટે કામ કરે છે. અમારું કામ રાજકીય ઉમેદવાર કામ કરવાનું નથી. ઉલ્લેખનીય છે કે અભિજિત મુખર્જી ગત ચૂંટણીમાં જંગીપુર સીટથી કોંગ્રેસની ટિકિટ પર વિજયી થયા હતા અને પાર્ટીએ ફરી એકવાર તેમને અહીંથી ઉમેદવાર બનાવ્યા છે. બહરામપુર સીટથી કોંગ્રેસ ઉમેદવાર અધીર રંજન વર્ષ ૧૯૯૯થી સતત ચૂંટણી જીતતા રહ્યાં છે.

મમતા બેનરજીનું હેલિકોપ્ટર બાંગ્લાદેશ સરહદ નજીક રસ્તો ભૂલી ગર્યું, રેલીના સ્થળે દોઢ કલાક મોડું પડ્યું

(એજન્સી) તા.૧૦
સુરક્ષામાં મોટી ચૂક થતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું હેલિકોપ્ટર ચૂંટણીસભાના સ્થળ ઉત્તર દિનાજપુર જતી વખતે રસ્તો જ ભૂલી ગયો હતો. આ હેલિકોપ્ટર બાંગ્લાદેશની સરહદ નજીકથી પસાર થયું હતું. આ મામલે હાઈ લેવલની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. લગભગ ૧ઃ૦૫ વાગ્યે સિલિગુડીથી મમતા બેનરજીના હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી અને ઉત્તર દિનાજપુર ૧ઃ૨૭ વાગ્યે પહોંચી જવું જોઈતું હતું પરંતુ લગભગ ૨ વાગ્યે પહોંચ્યું હતું. ઉત્તર દિનાશપુરમાં આવેલા ચોપડા ખાતે જાહેર સભાને સંબોધતાં મમતાએ કહ્યું હતું કે હું માફી માગું છું કેમ કે અમારું હેલિકોપ્ટર આ લોકેશન શોધવામાં થાપ ખાઇ ગયું હતું. અમે દિશા ભૂલી ગયા હતા. અમે અહીં ૨૨ મિનિટમાં પહોંચી જવાના પણ અમને ૫૫ મિનિટનો સમય લાગી ગયો. સૂત્રો અનુસાર હેલિકોપ્ટર ભૂલથી બિહારમાં ઘૂસી ગયો હતો અને કોમ્યુનિકેશન કર્યા બાદ તે સ્મોક ગનની મદદથી પાઈલટે ચોપડા પહોંચાડ્યું હતું. મમતા બેનરજીને ઝેડ પ્લસ સુરક્ષા મળે છે અને આ ઘટના મોટી ચૂક દર્શાવે છે.