(એજન્સી) કોલકાતા, તા.૨૫
પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી દર વર્ષે કુર્તાઓ અને મીઠાઇઓ મોકલતા હોવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘટસ્ફોટનો દેખીતી રીતે ઉલ્લેખ કરીને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોએ બુધવારે જણાવ્યું કે પ્રસંગોએ તેઓ ભેટ-સોગાદો અને મીઠાઇઓ મોકલાવી હશે પરંતુ તેમને (ભાજપ)ને મત આપશે નહીં. પશ્ચિમ બંગાળના હૂગલી જિલ્લામાં યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન વડાપ્રધાનનું નામ લીધા વગર મમતા બેનરજીએ જણાવ્યું કે પૂજાઓ દરમિયાન હું લોકોને રસગુલ્લા મોકલું છું. તેમને ભેટ-સોગાદો પણ મોકલું છું અને ચા પણ ઓફર કરૂં છું પરંતુ તેમને એક વોટ પણ આપીશ નહીં. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના જીવન સાથે સંબંધિત નહીં સાંભળેલી વાતો બતાવી હતી. રેલીમાં મમતા બેનરજીએ નોટબંધી દરમિયાન જંગી કાળા નાણાને ધોળા કરવાનો મોદી સામે આરોપ મુક્યો હતો અને જણાવ્યું હતું કે મોદી હવે આ નાણા વોટ ખરીદવા માટે ખર્ચી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે મોદી બાબુ તમે કાળા નાણાને ધોળા કરવા માટે બળજબરીથી લોકો પર નોટબંધી લાદી હતી અને હવે વોટ ખરીદવા માટે ચૂંટણીઓ દરમિયાન આ નાણા વાપરી રહ્યા છો પરંતુ બંગાળમાં તમારા પ્રયાસો નિષ્ફળ નીવડશે. જ્યારે નાદિયામાં એક રેલીને સંબોધતા ભાજપ સામે વોટ ખરીદવા માટે ભેગ-સોગાદો વહેંચવાનો આરોપ મુક્યો છે.