(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાના ગઠબંધન બાદ તૃણમૂલ કોંગ્રેસનો વારો આવ્યો છે અને પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી વિપક્ષની રેલી યોજશે. તેમના પક્ષના નેતાઓએ મમતા બેનરજી દ્વારા આગામી ૧૯મી જાન્યુઆરીએ યોજવામાં આવનારી વિપક્ષની રેલીને મધર ઓફ ઓલ રેલી (વિશાળ રેલી)ગણાવી છે. આ રેલી કોલકાતાના બ્રિગેડ મેદાનમાં ૧૯મી જાન્યુઆરીએ યોજવામાં આવશે. રેલીમાં લાખો લોકો ઉપસ્થિત રહેવાના હોવાનું જણાવવામાં આવ્યું છે. મમતા બેનરજીની ૧૯મી જાન્યુઆરીએ યોજાનારી રેલી માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રેલીમાં ઉપસ્થિત રહેનારા રાજકીય નેતાઓ પ્રતિનિધિઓ, મહાનુભાવો અને લાખો લોકોને કોઇ તકલીફ ન પડે તેના માટે રેલીના સ્થળે પાંચ મંચ બનાવવામાં આવ્યા છે, ૨૦ એલઇડી સ્ક્રીન્સ અને ૧૦૦૦ લાઉડ સ્પીકર્સ લગાડવામાં આવ્યા છે. રેલીના સ્થળે લોકોને મેનેજ કરવા માટે ભારે સંખ્યામાં પોલીસ કર્મચારીઓની ગોઠવણી ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના ૩૦૦૦ વોલન્ટિયર્સ પણ ઉપસ્થિત રહેવાના હોવાનું પક્ષના એક નેતાએ જણાવ્યું છે. મમતા બેનરજીની આ મેગા રેલીમાં ભાગ લેવા માટે સમગ્ર દેશમાંથી વિપક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને ઘણા નેતાઓએ રેલીમાં આવવાની પુષ્ટિ કરી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આાવ્યું છે. રેલીમાં ત્રણ રાજ્યો – દિલ્હી, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના મુખ્યપ્રધાનો અનુક્રમે અરવિંદ કેજરીવાલ, ચંદ્રાબાબુ નાયડુ અને એચડી કુમારસ્વામી ઉપસ્થિત રહેશે. રેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન એચડ દેવગોવડા પણ ઉપસ્થિત રહેવાના છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને બદલે મલ્લિકાર્જુન ખડગે રેલીમાં ભાગ લેવાના છે. મમતા બેનરજીની વિશાળ રેલીમાં ભાગ લેવા માટે બસપા, સપા, રાજદ, નેશનલ કોન્ફરન્સ અને એનસીપી સહિત અન્ય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તૃણમૂલ કોંગ્રેસનાં વડાંએ કેરળના મુખ્યપ્રધાન પી.વિજયનને પણ આમંત્રણ આપ્યું છે પરંતુ તેમની પાસેથી અત્યાર સુધી કોઇ જવાબ મળ્યો નથી. જોકે, ભાજપના નેતા શત્રુઘ્નસિંહા આ રેલીમાં ભાગ લેવાના છે. ભાજપ દ્વારા તૃણમૂલ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. શનિવારની રેલી સફળ બનાવવા માટે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા શક્ય બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.