(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ દેશમાં નફરતના રાજકારણને પ્રોત્સાહન આપવા બદલ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, મોદી અને તેમના વિશ્વાસુ અમલદાર અમિત શાહ તૃણમુલ કોંગ્રેસના વિભાગ સ્તરના પ્રમુખ બનવાને પણ લાયક નથી. મમતા બેનરજીએ કહ્યું કે, મોદી અમારા બ્લોક લેવલના પ્રમુખ બનવાને યોગ્ય નથી અને પોતાની ભાષા તથા સંસ્કૃતિને કારણે અમિત શાહ પણ બ્લોક સ્તરના પ્રમુખ બનવાને લાયક નથી. મમતાને પુછવામાં આવ્યું કે, તેઓ ભૂતકાળના વડાપ્રધાનો સાથે મોદીની સરખામણી કઇ રીતે કરશે ત્યારે તેમણે કહ્યું કે, તેઓ એટલા અયોગ્ય ન હતા કે કોઇ ના મળે. પશ્ચિમ બંગાળ નરેન્દ્ર મોદીને બાકાત કરવા અને ફેંકી દેવા આ ચૂંટણીઓમાં મહત્વની ભૂમિકા ભજવવા માગે છે. હું તેમને એક પણ પોઇન્ટ આપી શકું તેમ નથી. ગુજરાત રમખાણો પછી અમે વિચારતા હતા કે તેઓ બદલાઇ જશે પણ સમય જતા તેઓ વધુ ફાસીવાદી બની ગયા. મોદી તોફાનીઓ, ગુંડાઓ અને જુઠ્ઠાઓ સાથે હતા. જે લોકો દેશને બરબાદ કરવા માગતા હતા તેમની સાથે મોદી હતા. તેઓ શું વિકાસ કરી શકશે. તેમણે દેશને જોખમમાં મુકી દીધો છે. જો તેઓ અહીં રહેશે તો ભારતમાં કોઇ આઝાદી નહીં રહે, કોઇ લોકશાહીં રહે. ત્યારબાદ કોઇ ચૂંટણી નહીં થાય. બંધારણને જીવંત રાખવું હોય તો તેમણે જવું જોઇએ. બંગાળમાં ચોથા ચરણના મતદાન દરમિયાન મમતા બેનરજીએ નિવેદન આપ્યું હતુંં.

મોદી અને ગબ્બરસિંહ જેવા લોકોથી
નાગરિકો ભયભીત છે : મમતા બેનરજી

(એજન્સી) કોલકાતા, તા. ૩૦
વડાપ્રધાન મોદી દ્વારા ૪૦ ટીએમસી ધારાસભ્યો સંપર્કમાં હોવાના દાવા બાદ શરમજનક રીતે સોદાબાજીમાં સામેલ હોવા બદલ વારાણસીમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી રદ કરવાની પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ માગણી કરી છે. હુગલીમાં એક સભામાં તેમણે કહ્યું કે, મોદીએ એક દિવસ પહેલા કહ્યું કે, તૃણમુલના ૪૦ ધારાસભ્યો ભાજપ સાથે ચર્ચા કરી રહ્યા છે. જુઓ તેઓ શરમજનક રીતે સોદાબાજીમાં સંડોવાયેલા છે. તેમની ઉમેદવારી તાત્કાલિક રદ થવી જોઇએ. તેમને પીએમ તરીકે ચાલુ રહેવાનો કોઇ અધિકાર નથી.
તૃણમુલ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતાએ કહ્યું કે, સામાન્ય રીતે લોકો રાષ્ટ્રીય નેતાનું સન્માન કરે છે પણ મોદી તેમાંથી બાકાત છે. વડાપ્રધાનને ૧૯૭૫ની ફિલ્મ શોલેના ડાકુ ગબ્બરસિંહ સાથે સરખાવતા તેમણે કહ્યું કે, સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓનું સન્માન થાય છે અને તેઓ દરેકને પ્રિય છે. ફક્ત મોદી અને ગબ્બરસિંહ જેવા નેતાઓથી જનતા ભયભીત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં પગપેસારો કરવામાં સક્ષમ નથી. તેમાં કોઇ શંકા નથી કે પાર્ટી આ માટે ખાલી સપના જુએ છે. મોદી પશ્ચિમ બંગાળમાં પગપેસારો કરવાના સપના જુએ છે. તેમનું સપનું ક્યારેય વાસ્તવિકતામાં બદલાશે નહીં. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં તૃણમુલ કોંગ્રેસે વડાપ્રધાન મોદીની ઉમેદવારી રદ કરવાની માગણી કરતો પત્ર ચૂંટણી પંચને આપ્યો છે.