(એજન્સી) કોલકાતા, તા. ૧૫
કોલકાતામાં રોડ શોમાં હિંસા ભડક્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે ભાજપના અમિત શાહ પર પ્રહાર કર્યા હતા. ભાજપના કાર્યકરો પર મોટરસાઇકલોને આગ લગાડવી અને મિલકતોને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવાયો હતો જ્યારે વિખ્યાત વિચારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતીમાને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ ભાજપ પર છે. કોલકાતામાં એક સભામાં ગુસ્સાભર્યા સૂરમાં મમતાએ કહ્યું કે, શાહે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાંથી કોલકાતામાં તંગદિલી સર્જવા ગુંડા બોલાવ્યા છે. બંગાળી ચેનલોમાં આ રિપોર્ટને જોરદાર રીતે દર્શાવાયો છે. રાષ્ટ્રીય ચેનલો આ હિંમત નહીં કરે કારણ કે તેઓ દલાલ છે. તેમને એકલા છોડી દો. તેમણે સભાને કહ્યું કે, તમારે જાણવું જોઇએ શું થયું. જ્યારે અમિત શાહની રેલી પુરી થઇ ત્યારે ભાજપના કાર્યકરો વિદ્યાસાગર કોલેજમાં આગ ચાંપી હતી. તેમણે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતીમાને નુકસાન પહોંચાડ્યું હતું. કોલકાતા આ શરમને ક્યારેય ભૂલી શકશે નહીં. આવી ઘટના તો નક્સલ ચળવળમાં પણ નથી થઇ. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, અમે તેમને છોડીશું નહીં. અમે ભાજપને જોરદાર જવાબ આપીશું. શાહને સંબોધીને તેમણે કહ્યું હતું કે, આજે તમે વિદ્યાસાગર તરફ હાંથ લંબાવ્યા છે તો હું તમને ગુંડા સિવાય શું કહું. હું તમારી વિચારધારાથી નફરત કરૂં છું, તમારા દરેક માર્ગથી નફરત કરૂં છુ.