(એજન્સી) કોેલકાતા, તા. ૫
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર પર શુક્રવારે આકરા પ્રહાર કરતા રાજકીય એજન્ડા પાર પાડવા અને રાજ્યના બે જિલ્લાઓમાં કટ્ટરવાદ અને ભરતી પ્રક્રિયા માટે ઉપયોગ કરતા મદ્રેસાઓના મુદ્દે સંસદમાં ગેરમાર્ગે દોરતા અહેવાલો મુકવાનો આરોપ મુક્યો હતો. આ મુદ્દે રાજ્ય દ્વારા પુરા પાડવામાં આવેલા રિપોર્ટને બદલે કેન્દ્રએ સંસદમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે સંસદમાં ચોક્કસ મુદ્દાઓ પર સવાલ થતા આ મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પાસેથી જવાબ માગે છે.
તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ૨૮મી જુને અમને પુછવામાં આવ્યું કે, સરહદી જિલ્લાઓના મદ્રેસાઓના વિદ્યાર્થીઓને કટ્ટરવાદી બનાવવામાં આવે છે. ત્યારે અમે જવાબ આપ્યો હતો કે, અમારા ધ્યાનમાં આવા કોઇ મુદ્દા આવ્યા નથી. પણ કેન્દ્ર સરકારે અમારો રિપોર્ટ રજૂ કર્યો ન હતો તેના બદલે પોતાનો જવાબ આપી દીધો હતો. મમતા બેનરજીએ ગૃહમાં રાજ્યના મદ્રેસાઓનો રિપોર્ટ રજૂ કર્યો હતો. બેનરજીએ જણાવ્યું હતું કે, સમાજવિરોધી એ સમાજવિરોધી છે. તેમને કોઇપણ ધર્મ સાથે જોડવા જોઇએ નહીં. ચોર એ ચોર જ છે. જો કોઇ ઘટના બને તો સરકાર પગલાં લેશે. ભાજપ બધી બાબતોનું રાજકીયકરણ કરવા માગે છે. તેઓ દરેક વિભાગમાં કેન્દ્રીય એજન્સીઓના પત્રો મોકલે છે. તેઓ દરેકને ડરાવે છે. ગૃહ બાબતોના રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ મંગળવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરની રાજકીય હિંસા મુદ્દે પશ્ચિમ બંગાળ સરકાર પ્રત્યે કેન્દ્રએ ચિંતા રજૂ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય ચૂંટણીઓ પહેલા, દરમિયાન અને તે બાદ હિંસાની કેટલીક ઘટનાઓના પરિણામે મોત અને લોકો ઘાયલ થવાની માહિતી મળી હતી જેમાં પશ્ચિમ બંગાળમાં રાજકીય કાર્યકરોનો સમાવેશ થાય છે. સંસદમાં એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે આ મુદ્દે કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી હતી અને ૯ જુન ૨૦૧૯ના રોજ એડવાઇઝરી બહાર પાડીને કહ્યું હતું કે, રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થા, શાંતિ અને જાહેર સુલેહ જાળવી રાખે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ જણાવ્યું કે, બર્દવાન અને મુર્શીદાબાદ જિલ્લાના ચોક્કસ મદ્રેસાઓને જમાતુલ મુજાહિદ્દીન નામના બાંગ્લોદશી સંગઠન કટ્ટરવાદ અને ભરતી પ્રક્રિયા માટે ઉપયોગમાં લે છે તેવી ગુપ્તચર માહિતી મળી છે.