(એજન્સી) તા.૯
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે વિધાનસભામાં કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં બંધનું બાંધકામ થવાના કારણે આત્રેયી નદી સૂકાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, નવી દિલ્હી આ મુદ્દાને ઢાકા સમક્ષ ઉઠાવવા બાબતે ગંભીર નથી. આ મુદ્દે વિપક્ષના પ્રશ્નના જવાબમાં બેનરજીએ ગૃહને માહિતી આપતાં કહ્યું હતું કે, આ બંધને કારણે દક્ષિણ દિનાજપુર જિલ્લાના લોકોને મુશ્કેલી પડી રહી છે. રાજ્યએ કેન્દ્રને બધી વિગતો મોકલી દીધી છે પરંતુ કેન્દ્ર આ બાબતને હળવાશથી લે છે. ઉલ્લેખનીય છે કે, લગભગ ૪૦૦ કિ.મી. લાંબી આત્રેયી નદી હજારો માછીમારો અને ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. સિલિગુડીથી બાંગ્લાદેશમાં પ્રવેશી દક્ષિણ દિનાજપુરમાં પરત આવતી આ નદીના વહેણને સંખ્યાબંધ બેરેજ બાંધી રોકવામાં આવતાં તેના જળપ્રવાહમાં ઘટાડો થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે થોડા વર્ષો પહેલાં બાંગ્લાદેશે બંધ બાંધ્યા પછી નદી ઉનાળામાં સૂકાઈ જાય છે. મમતા બેનરજીએ વિધાનસભામાં કહ્યું હતું કે મેં આ મુદ્દા પર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે.