(એજન્સી) કોલકાતા, તા. ૧૦
ભાજપના સભ્યપદ કાર્ડ પર મુખ્યમંત્રી મમતા બેનરજીનો ફોટો સપાટી પર આવ્યા બાદ પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ચેટરજીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસને બદનામ કરવાની આ યોજના છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ અંગે આકરા પગલાં લેશે અને આ શરારતી કૃત્યમાં સંડોવાયેલાઓને સાયબર ક્રાઇમના કાયદા હેઠળ ન્યાયના કઠેડામાં લવાશે.
ભાજપે શનિવારે રાષ્ટ્રવ્યાપી સભ્યપદ અભિયાનની શરૂઆત કરી હતી આ દિવસે શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતિ હતી. વડાપ્રધાન મોદીએ પોતાના મતવિસ્તાર વારાણસીમાંથી અભિયાનની શરૂઆત કરી હતી જ્યારે ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણામાંથી શરૂઆત કરી હતી. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે અમદાવાદમાંથી સભ્યપદની શરૂઆત કરી હતી અને જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાંથી અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ તમામ તબક્કાના લોકોને ભાજપ પરિવાર સાથે જોડશે અને પાર્ટીને મજબૂત કરશે. ડો. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિના પ્રેરક અવસરે ભાજપનું સભ્યપદ અભિયાન શરૂ કરાશે. હું કાશીમાંથી આ કાર્યક્રમમાં જોડાઇશ. તેમણે આ ટિ્‌વટ સભ્યપદ અભિયાન શરૂ કરતા પહેલા કર્યું હતું. દરમિયાન જે લોકો ભાજપમાં જોડાવા માગતા હોય તેઓ પીએમ મોદીની સત્તાવાર એપ નરેન્દ્ર મોદી અથવા નમો એપનો નવા વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકે છે.