(એજન્સી) કોલકાતા, તા.૨૪
એનઆરસી અંગે ગભરાટ સર્જવા અને ફેલાવવાનો ભાજપ સામે આરોપ મૂકતા પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દાવો કર્યો કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)ના પ્રેતે રાજ્યના છ લોકોનો ભોગ લીધો છે. કોલકાતામાં ટ્રેડ યુનિયનોને સંબોધતા ટીએમસીના સુપ્રીમોએ એવો પુનરોચ્ચાર કર્યો કે તેઓ પશ્ચિમ બંગાળમાં એનઆરસી ક્વાયત થવા દેશે નહીં. તેમણે કહ્યું કે મારા પર ભરોસો રાખો હું બંગાળમાં ક્યારેય આ ક્વાયત થવા દઇશ નહીં. તેમણે જણાવ્યું કે એનઆરસી ક્વાયત બંગાળ કે દેશમાં ક્યાંય પણ થશે નહીેં. તેમણે એવું પણ કહ્યું કે ભાજપે એનઆરસી અંગે અફવાઓ ફેલાવવાનું બંધ કરવું જોઇએ. આસામ કરારને કારણે ત્યાં એનઆરસી ક્વાયત હાથ ધરવામાં આવી છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે પણ જણાવ્યું છે કે તેઓ રાજ્યમાં એનઆરસીની ક્વાયત થવા દેશે નહીં. તેમણે એવો પ્રશ્ન કર્યો કે જો ભાજપ એનઆરસી અંગે બહુ આતુર છે તો પક્ષ દ્વારા શાસિત ત્રિપુરામાં આ ક્વાયત કેમ ભાજપ હાથ ધરતો નથી ? તેમણે એવું પણ કહ્યું કે જો ભાજપ શાસિત ત્રિપુરામાં એનઆરસી ક્વાયત હાથ ધરવામાં આવશે તો, ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપલ્બ દેબ પોતાને લિસ્ટમાંથી બહાર જોશે. વધુ વિગતો આપ્યા વગર એનઆરસી અંગે મમતા બેનરજીએ પ્રશ્ન કર્યો કે મારા દસ્તાવેજો વિશે મને પૂછનારા તેઓ કોણ છે ? તેમણે કહ્યું કે ઘણા વર્ષો બાદ હું મારા દસ્તાવેજો ક્યાંથી મેળવીશ.