(એજન્સી) કૂચબિહાર, તા.૧૮
પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્રની ભાજપ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, સરકાર જે નાગરિકતા સુધારો બિલ પસાર કરવા જઈ રહી છે. એ બિલ એનઆરસી જેવી જાળ સમાન છે જેનાથી ભારતના કાયદેસરના હિન્દુ અને બંગાળી નાગરિકોને શરણાર્થી બનાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર આજથી શરૂ થયેલ શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરવાની છે. આ બિલને ગઈકાલ લોકસભામાં રજૂ કરી પસાર પણ કરાવાયો હતો પણ રાજ્યસભામાં બિલ રજૂ કરાઈ શકયો ન હતો જેથી બિલ લોકસભા ભંગ થતાં સ્વમેળે રદ થઈ ગયું હતું. એમણે જણાવ્યું કે, સરકાર અર્થતંત્રને પાટા ઉપર લાવવા કોઈ પ્રયાસો કરતી નથી. એમને ફકત જાહેર સાહસોના એકમોને વેચી નાણાં ઊભા કરવા છે જેમ કે, એર ઈન્ડિયાને પુર્નજીવિત કરવાના બદલે એમને વેચી દેવા તૈયારી કરી રહી છે. મમતાએ કહ્યું સરકાર સીએબી રજૂ કરવા જઈ રહી છે. જે બંધારણની જોગવાઈઓ વિરૂદ્ધ છે. આ બિલ દ્વારા હિન્દુ, શીખો, જૈનો, પારસીઓ જે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવેલ છે. એમને કંઈ પણ દસ્તાવેજો વિના નાગરિકતા આપવાની જોગવાઈ ધરાવે છે. ધર્મના આધારે ભેદભાવ કરી નાગરિકતા આપી શકાય નહીં. એમણે કહ્યું કે સરકાર જ્યારે સત્તામાં આવી હતી ત્યારે અમાએ કૂચબિહારમાં રહેતા શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે કોઈ શરતો મૂકી ન હતી.