(એજન્સી)કોલકાતા, હૈદરાબાદ, તા.૧૯
પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં જાહેર સભાને સંબોધતા મુસ્લિમોમાં કટ્ટરવાદ વધી રહ્યો હોવાની વાત કરી છે. હિન્દુઓમાં જેવા કટ્ટરવાદીઓ છે એવો કટ્ટરવાદ લઘુમતીઓમાં બહાર આવી રહ્યો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુૂસ્લીમીન (એઆઇએમઆઇએમ)નું નામ લીધા વગર મમતા બેનરજીએ જણાવ્યું કે હૈદરાબાદની એક રાજકીય પાર્ટી ભાજપ પાસેથી નાણા લઇ રહી છે. આ રાજકીય પાર્ટી પશ્ચિમ બંગાળની નથી, હૈદરાબાદની છે. મમતા બેનરજીએ ઓવૈસીનું કે તેમની પાર્ટીના નામ લીધા ન હતા પરંતુ હૈદરાબાદની રાજકીય પાર્ટીનો તેમનો ઉલ્લેખ સ્પષ્ટ કરે છે કે મમતા બેનરજીના આ ઉલ્લેખનો અર્થ એઆઇએમઆઇએમ અને તેના ફાયરબ્રાન્ડ વડાનો છે. મમતા બેનરજીએ ઓવૈસી સામે સમુદાયોને વિભાજિત કરવાનો આરોપ મૂક્યો છે અને તેની સાથે જ તેમણે લઘુમતી કટ્ટરવાદ સામે ચેતવણી પણ આપી છે. તેમણે મુસ્લિમોને ગેરમાર્ગે ન દોરાવાની હાકલ કરી છે.
મમતા બેનરજીની હૈદરાબાદની એક રાજકીય પાર્ટીની ટિપ્પણીનો જવાબ આપતા ઓવૈસીએ જણાવ્યું કે મારી સામે આરોપો મૂકીને તમે પશ્ચિમ બંગાળના મુસ્લિમોને એવો સંદેશ આપી રહ્યા છો કે ઓવૈસીની પાર્ટી પશ્ચિમ બંગાળમાં એક જબરદસ્ત મજબૂત બળ બની ગઇ છે. ઓવૈસીએ એવું પણ કહ્યું કે મમતા બેનરજી આવી ટિપ્પણીઓ કરીને તેમનો ભય અને હતાશા દર્શાવી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ એવું પણ ટિ્‌વટ કર્યું કે બંગાળમાં અન્ય કોઇ પણ લઘુમતી સમુદાયની સરખામણીએ મુસલમાનોનો બહુ ઓછો માનવ વિકાસ થયો છે, એવું કહેવું ધાર્મિક કટ્ટરવાદ નથી. તેમણે એવું પણ કહ્યું કે જો દીદી અમારા વિશે ચિંતિત છે તો તેમણે અમને કહેવું જોઇએ કે ભાજપ બંગાળમાં લોકસભાની ૪૨માંથી ૧૮ બેઠક કેવી રીતે જીત્યો ?