(એજન્સી) કોલકાતા, તા. ૨૦
વિવાદાસ્પદ નાગરિકતા સુધારા બિલ લાગુ કરવાની સરકારની યોજના પર આકરા પ્રહાર કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે અધિકારીઓ અને ધારાશાસ્ત્રીઓને નિર્દેશ આપ્યા હતા કે તેઓ લોકોનો ડર દૂર કરે અને સાથે જ જણાવ્યું હતું કે, દેશમાંથી લોકોને કોઇપણ બહાર કાઢી શકે નહીં. દક્ષિણ દિજનાપુરના ગંગારામનગરમાં વહીવટી અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, જો તમારી પાસે નાગરિકતાનો પુરાવો છે જેવા કે રેશનકાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો છે તો જે લોકો તમને ધર્મના આધારે ગેરમાર્ગે દોરે છે તેમની વાતોમાં આવશો નહીં. બંગાળમાં કોઇ એનઆરસી લાગુ નહીં થાય. પણ તમે ધ્યાન રાખો કે તમારી પાસે તમામ પ્રકારના દસ્તાવેજો હોવા જોઇએ. રાશનની દુકાનોમાંથી તમારૂં અનાજ લેવાનું બંધ નહીં થાય, પણ તમારે તમારૂં ડીજીટલ રાશનકાર્ડ રાખવું પડશે. અનેક રાજકીય પાર્ટીઓ તમને ગેરમાર્ગે દોરશે પણ ગભરાશો નહીં. તમે બધા જ ભારતીય નાગરિક છો. અહીંથી તમને બહાર ફેંકવાની કોઇને સત્તા નથી. એનઆરસી મુદ્દે ભાજપનું નામ લીધા વિના મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, જેઓ લોકોમાં અસમંજસ ફેલાવવાનો પ્રયાસ કરે છે તેઓ સફળ નહીં થાય. પહેલા તેઓ એનઆરસી મુદ્દે લોકોને ગેરમાર્ગે દોર્યા. હવે તેઓ નાગરિકતા બિલ અંગે લોકોને ગેરમાર્ગે દોરે છે. તેઓએ પર્વતીય ક્ષેત્રોમાં લોકોને ગેરમાર્ગે દોર્યા. તેઓએ રાજબંશીઓ અને બંગાળીઓ વચ્ચે મતભેદ ઊભા કરવાનો પ્રયાસ કર્યો અને પછી શીખો, મુસ્લિમો, હિંદુઓ,ખ્રિસ્તીઓ અને બંગાળીઓ વચ્ચે પણ મતભેદો ઉભા કરાયા, ૧૯૪૭ના ભાગલા બાદ જેઓ દેશમાં આવ્યા છે તેમની વચ્ચે ડર ફેલાવાય છે. તેઓ હિંદુઓને કહેશે કે મુસ્લિમોને કાઢી મુકીશું. રાજબંશીઓને કહેશે તે તમને કોઇ તકલીફ નહીં થાય પણ કામતાપુરીઓને કહેશે તે તમારે જવું પડશે. આ કમનસીબ બાબત છે. આવું કાવતરૂં ક્યારેય સફળ નહીં થાય.