(એજન્સી) કોલકાતા, તા.૩
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ રાજ્યમાં કોઇ પણ કટ્ટરવાદી સંગઠનોને બેઠકો કે રેલીઓ યોજવા નહીં દેવાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો હોવાનું માનવામાં આવે છે. રાજ્યના સચિવાલય નબન્ના ખઆતે યોજવામાં આવેલી એક બેઠક દરમિયાન બેનરજીએ આ આદેશ આપ્યો હતો. બેઠકમાં અધિક મહાનિર્દેશક (એડીજી)થી માંડીને નાયબ ઇન્સપેક્ટર જનરલ (ડીઆઇજી) રેન્કના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિભિન્ન પોલીસ અધીક્ષકો (એસપી)એ તેમની ઓફિસેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો. સૂત્ર્એ જણાવ્યું કે મુખ્ય પ્રધાને સોશિયલ અને ડિજિટલ મીડિયા પર ચાંપતી નજર રાખવા માટે પોલીસને સતર્ક કર્યા હતા. ‘અર્ધ-સત્ય’ અને ‘ફેક ન્યૂઝ’ દ્વારા સરકાર વિરોધી ખોટો પ્રચાર કરવા માટે સોશિયલ અને ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, મમતા બેનરજીએ કોઇ પક્ષનો ઉલ્લેખ કે નામ લીધું ન હતું પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ટીએમસીના સુપ્રીમોનો દેખીતો ટાર્ગેટ અસદુદ્દીન ઓવૈસીના ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ) હતો. મમતા બેનરજી અને તૃલમૂલ કોંગ્રેસના અન્ય નેતાઓએ તાજેતરમાં એઆઇએમઆઇએમ સામે પ્રહારો કર્યા હતા. ફરી એઆઇએમઆઇએમનું નામ લીધા વગર તેને ભાજપની એજન્ટ ગણાવવામાં આવી છે અને લઘુમતીઓમાંના અંતિમવાદીઓથી લઘુમતીઓને એલર્ટ કર્યા છે.
મમતા બેનરજીએ બંગાળમાં કટ્ટરવાદી સંગઠનોની બેઠકો અને રેલીઓ યોજવા સામે પ્રતિબંધ લાદ્યો

Recent Comments