(એજન્સી) તા.૧૩
મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે કહ્યું હતું કે કોઈપણ સંજોગોમાં પ.બંગાળમાં સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એકટ લાગુ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે. સાથે સાથે તેમણે આ વિવાદાસ્પદ કાયદાની વિરૂદ્ધ રાજયમાં શ્રેણીબદ્ધ રેલીઓ યોજવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ બિલ વિરૂદ્ધ કોલકાતામાં એક મેગા રેલી યોજાશે. મમતા બેનરજીએ કહ્યું હતું કે અમે બંગાળમાં એનઆરસી અને સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એકટ લાગુ કરવાની પરવાનગી નહીં આપીએ ભલે તેને સંસદમાં પસાર કરી દેવામાં આવ્યો હોય. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર બિન-ભાજપી રાજયો પર આ કાયદો લાગુ કરવા દબાણ કરી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સિટિઝનશીપ એકટ ભારતને વિભાજીત કરી નાખશે. જયાં સુધી અમે સત્તામાં છીએ રાજયમાંથી એક પણ વ્યકિતને દેશ છોડવો નહીં પડે. સિટિઝનશીપ બિલ વિરૂદ્ધ ફાટી નીકળેલા વિરોધ-પ્રદર્શનોને કારણે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની આસામ મુલાકાત મોકૂફ રાખવામાં આવતા મમતા બેનરજીએ કહ્યું હતું કે આ મુલાકાત રદ થવાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચશે. મમતા બેનરજીએ ભારપૂર્વક કહ્યું હતું કે ભગવા પાર્ટી રાજયો પર આ બિલ લાગુ કરવામાં દબાણ ન કરી શકે.