(એજન્સી) તા.ર૭
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે કહ્યું હતું કે, તેમના રાજ્યમાં કોઈ અટકાયતી કેન્દ્ર બાંધવામાં નહીં આવે. ઉત્તર ર૪ પરગણાના નૈહાતીમાં એક કાર્યક્રમને સંબોધતા બેનરજીએ કહ્યું હતું કે, જ્યાં સુધી તે જીવતા છે ત્યાં સુધી બંગાળમાં સિટિઝનશીપ અમેન્ડમેન્ટ બિલ લાગુ કરવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે, અફવાઓ પર ધ્યાન ન આપો. તેઓ કહે છે કે, બંગાળમાં અટકાયતી કેન્દ્રો ઊભા કરવામાં આવશે પરંતુ અહીં સત્તામાં કોણ છે ? હું મારા જીવનનો બલિદાન આપવા માટે તૈયાર છું. પરંતુ હું કયારેય પણ બંગાળમાં ભાજપને અટકાયતી કેન્દ્રો ઊભા કરવા નહીં દઉં ભલે પછી માટે તેના પ્રાણોની આફત આપવી પડે. પ.બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમે અહીં સત્તામાં છીએ અને આ રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર છે. તેમણે આસામમાં આ કામ કર્યું કારણ કે, ત્યાં તેઓ સત્તામાં છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે સીએએ સામેના મમતા બેનરજીના વિરોધને ગેરબંધારણીય ગણાવતા મમતા બેનરજીએ તેમને જવાબ આપતાં કહ્યું હતું કે, મને કાયદો ન બતાવો. હું સાત વખત સાંસદ રહી ચૂકી છું. મેં દિલ્હીમાં ઘણા મંત્રાલયો સંભાળ્યા છે. હું કાયદો સારી રીતે જાણું છું. હું બંધારણની સમજ ધરાવું છું. આથી તેની જોગવાઈઓનું ખોટું અર્થઘટન કરવાનો કોઈ અર્થ નથી. મમતા બેનરજીએ બંગાળમાં સીએએ અને એનઆરસી લાગુ નહીં થાય. આ વાતનો પુર્નોચ્ચાર કરતાં કહ્યું હતું કે, જેવી રીતે તેઓ દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર છે તેવી જ રીતે અમે પણ બંગાળમાં ચૂંટાયેલા છીએ. તમે દિલ્હીમાં તમારા અધિકારોનો ઉપયોગ કરો છો તેવી જ રીતે હું બંગાળમાં મારા અધિકારોનો ઉપયોગ કરું છું.