(એજન્સી) કોલકાતા, તા. ૩૦
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે પણ નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ ચાલુ રાખતા કહ્યું હતું કે તેઓ આ કાયદો પરત નહીં ખેંચાય ત્યાં સુધી રોકાશે નહીં. શુક્રવારે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેઓ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી નાગરિકતા સુધારા કાયદો લાગુ થવા દેશે નહીં. રાજ્યના પુરૂલિયા જિલ્લામાં પાંચ કિલોમીટરની પગપાળા રેલી પહેલા તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી કાયદેસરના નાગરિકોની નાગરિકતા છીનવી લેવાની યોજના ઘડે છે. ‘‘હું દરેકને અપીલ કરૂં છું કે ભાજપ વિરૂદ્ધ હાથ મિલાવો અને દરેક જગ્યાએ તેમનુું અપમાન કરો અને તેને એકલો પાડી દો. મુખ્યમંત્રી ભગવા પાર્ટીની શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને દેશવિરોધી ગણાવવા બદલ આકરી ટીકા કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જે લોકો દેખાવ કરે છે તેમણે મતદાર યાદીમાં પોતાના નામની ખાતરી કરી લેવી જોઇએ અને બાકીના લોકોની તેઓ પોતે રક્ષા કરશે. નાગરિકતા કાયદા સામે સ્વતંત્ર વિચારો માટે જાણીતા મુખ્યમંત્રીએ ૧૮મી ડિસેમ્બરે દેશવ્યાપી દેખાવો દરમિયાન શાંતિ જાળવવામાં નિષ્ફળ રહેવા બદલ ગૃહમંત્રી અમિત શાહની આકરી ટીકા કરી હતી. બીજા દિવસે જ તેમણે નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી અંગે સંયુક્ત રાષ્ટ્રની દેખરેખવાળું જનમત ચલાવવાનો ભાજપ સામે પડકાર ફેંક્યો હતો. બાદમાં તેમણે કહ્યું હતું કે, તેમની કહેવાનો ખોટો અર્થ કઢાયો છે. ૧૧મી ડિસેમ્બરે સંસદમાં નાગરિકતા સુધારા કાયદો પસાર થયાના દિવસથી જ મમતા બેનરજી સતત રેલીઓ કરી રહ્યા છે. મમતા બેનરજી દસ્તાવેજો નહીં ધરાવનારા લોકોની ઓળખ કરવાની એનઆરસીની પણ અનેક જગ્યાએ ટીકાઓ કરી ચુક્યા છે.