(એજન્સી) કોલકાતા, તા.૨
તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દાર્જિલિંગ જિલ્લામાં મમતા બેનરજીની સીએએ વિરોધી રેલીને અતિસફળ બનાવવા માટે જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે. શુક્રવારે સિલીગુરીમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં મોટી કૂચ યોજાવાની છે. એ કૂચમાં ૧ લાખ લોકોની મેદની ભેગી કરવા ટીએમસીના નેતાઓના પ્રયાસો થઈ રહ્યા છે. જો કે, આ વિસ્તારની મોટાભાગની લોકસભાની બેઠકો ભાજપે મમતા પાસેથી આંંચકી લીધી હતી.
તૃણમૂલના નેતાઓનું કહેવું છે કે, અમે આ કૂચથી સંદેશો આપવા માંગીએ છીએ કે, ભલે સંસદની ચૂંટણીમાં પક્ષનો દેખાવ ઉત્તર બંગાળમાં ખૂબ જ ખરાબ રહ્યો હતો, પણ અમોએ હિંમત ગુમાવી નથી અને ફરીથી પાછા આવવા તૈયાર છીએ.
તૃણમૂલના નેતાએ જણાવ્યું કે, “દીદી કૂચના આધારે ઘણી મોટી અસર પૂરી પાડવા ધારે છે. સીએએ અને એનઆરસી બાબત જે લોકોમાં ભય છે, એ ભયને જ મુખ્ય મુદ્દો બનાવી ભાજપનો વિરોધ કરવામાં આવશે.”
ગઈકાલે તૃણમૂલ નેતા અને પ્રવાસન મંત્રી ગૌતમ દેબે મુલ્લાગુરીની મુલાકાત લીધી હતી, જે કૂચ શરૂ થવાનો સ્થળ છે. એમણે કહ્યું કે, અમને અપેક્ષા છે કે, ૧ લાખથી વધુ લોકો કૂચમાં જોડાશે, જેમાં પર્વતીય અને મેદાની ભાગ આમ બંને વિસ્તારોના લોકો હશે. એ કૂચમાં જોડાશે અને મમતા સાથે પગપાળા ચાલશે.
અમે આ રેલીમાં ગોરખાઓની હાજરીની વધુ અપેક્ષા રાખીએ છીએ. કારણ કે, આ લોકો ભાજપ દ્વારા સીએએના સમર્થનમાં યોજાયેલ રેલીમાં મળકાથી જોડાયા ન હતા.
અમે પૂરવાર કરવા માગીએ છીએ કે, ગોરખાઓ અમારી સાથે છે. ભાજપ સાથે નથી એ સીએએ અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે. ભલે એમણે ચૂંટણીમાં મત ભાજપને આપ્યો હતો, પણ હવે એ ભાજપની વિરૂદ્ધ છે. કારણ કે, હજારો ગોરખાઓ જે આસામમાં દાયકાઓથી રહે છે. એમના નામો એનઆરસીમાં ન હતા. બંગાળમાં પણ જો સીએએ, એનઆરસીનું અમલ થાય તો એમને આવો જ પ્રશ્ન થવાનો છે. ગોરખાઓ ઉપરાંત રાજબંસીઓ અને આદિવાસીઓ અને લઘુમતીઓ કોમના લોકો મોટી સંખ્યામાં જોડાશે.