(એજન્સી) કોલકાતા, તા. ૧૫
૧૧મી જાન્યુઆરીએ સીએએ વિરોધી પ્રદર્શનો દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજીનો ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા ઘેરાવ કર્યા બાદ ૧૫૦ અજાણ્યા લોકો વિરૂદ્ધ આપમેળે ફરિયાદ દાખલ કરાઇ છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સોમવારે હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી ફરિયાદમાં સૂત્રોએ જણાવ્યું કે, આ કેસમાં નુકસાન પહોંચાડવા, અપરાધિક ધાકધમકી ઉપરાંત ફરજનું પાલન કરનારા જાહેર સેવક પર હુમલાની પણ જોગવાઇઓમાં બિનજામીનપાત્ર કલમોનો ઉમેરો કરાયો છે. મમતા બેનરજીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત અને સીએએ વિરૂદ્ધ લડતને હળવી બનાવવા બદલ ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ મુદ્દે કોલકાતાના ટોચની હરોળના પોલીસ અધિકારીઓ પોતાના હોઠ સીવી રાખ્યા છે. મોદી સાથે બેઠક બાદ મમતા બેનરજી ફરીવાર ટીએમસીના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલા ધરણા પ્રદર્શનમાં સામેલ થવા ગયા હતા પરંતુ મોટી સંખ્યામાં ત્યાં ડાબેરી વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા અને વડાપ્રધાન સાથે બેઠક મુદ્દે તેમની પાસે ખુલાસો માગવાની સાથે નારેબાજી કરી હતી. બેનરજીએ આ મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી હતી અને કહ્યું કે, કેન્દ્ર પાસેથી મળવાના થતા નાણા રાજ્યને નહીં મળ્યા હોવાથી તેમણે નાણાકીય સહાયનો મુદ્દો ઉઠાવ્યો હતો.