(એજન્સી) કોલકાતા, તા. ૧૫
રાજ્યમાં તાજેતરની વડાપ્રધાન સાથેની મુલાકાત મુદ્દે વિપક્ષી પાર્ટીઓના વિરોધનો સામનો કરી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોઇનું પણ નામ લીધા વિના જણાવ્યું હતું કે, બંગાળની સંસ્કૃતિ મહેમાનોનું સ્વાગત અને સૌજન્યની છે પછી તે દુશ્મન કેમ ના હોય. નાગરિકતા સુધારા કાયદા મુદ્દે કેસરિયા કેમ્પ પર વરસી પડતા મમતા બેનરજીએ કહ્યું કે, જે લોકો કાયદેસરતા ધરાવે છે તેમની નાગરિકતા છીનવા અને ભગવા પક્ષને ભંડોળ પુરૂં પાડનારા લોકોને નાગરિકતા આપવાનું કાવતરૂં છે. મમતા બેનરજીએ ઉત્તરપ્રદેશમાં સીએએ વિરોધી દેખાવો, ગુવાહાટીમાં એનઆરસી વિરોધી પ્રદર્શનો અને દિલ્હીના જેએનયુ કેમ્પસમાં હિંસા વિરોધી દેખાવોમાં તેના પ્રતિનિધિમંડળને પ્રવેશવા ન દેવા બદલ ભગવા પક્ષની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, તેઓ દુશ્મન સાથે પણ સૌજન્ય દેખાડે છે.
બંગાળની સંસ્કૃતિ છે કે, જે લોકો રાજ્યમાં આવે તેમની સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરવું. આપણા મહેમાનને કેવી રીતે માન આપવું તે અમે જાણીએ છીએ, અમે અમારા દુશ્મનોને પણ સૌહાર્દ દેખાડીએ છીએ. પણ તમે ભાજપના લોકો અમારી પાર્ટીના નેતાઓને જમ્મુ, ઉત્તરપ્રદેશ, ગુવાહાટી અને જેએનયુમાં પ્રવેશવા દેતા નથી. તેઓ તાજેતરમાં કોલકાતાની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદી અંગેની વાત કરી રહ્યા હતા જ્યાં તેઓ કાર્યક્રમોમાં તેમની સાથે રહ્યા હતા. તેઓ આ પ્રસંગે મોદીની સાથે રહ્યા હોવાથી ટીકાઓનો ભોગ બન્યા હતા.ભાજપના કટ્ટર વિરોધી અને શરૂઆતથી જ વિવાદિત કાયદાના કેટલાક ભાગનો વિરોધ કરનારા મમતા બેનરજીએ કહ્યું કે, વિદેશી ભંડોળથી પાર્ટીને મદદ કરનારા અને બ્લેક મનીને વ્હાઇટ કરનારાઓને નાગરિકતા આપવામાં આવી રહી છે. આ ખરી નાગરિકતા ધરાવતા લોકોની નાગરિકતા છીનવા અને ભાજપને વિદેશી નાણું પુરૂં પાડનારા લોકોને નાગરિકતા આપવાનું કાવતરૂં છે.
ભાજપને ભંડોળ આપનારાઓને નાગરિકતા આપવા CAAનું કાવતરૂં : મમતા બેનરજી

Recent Comments