(એજન્સી) કોલકાતા, તા.૧૧
દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં ‘આપ’ની જવલંત વિજય થતાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવી જણાવ્યું છે કે, મેં કેજરીવાલને ચૂંટણીમાં ભવ્ય વિજય બદલ અભિનંદન આપ્યા છે. લોકોએ ભાજપને જાકારો આપ્યો છે. ફકત વિકાસની વાત જ ચાલશે. નાગરિકતા સુધારા કાયદો, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન અને નેશનલ પોપુલેશન રજિસ્ટરને લોકોએ નકારી કાઢયું છે. મમતા બેનરજી સીએએ, એનઆરસી અને એનપીઆરનો શરૂઆતથી વિરોધ કરી રહી છે. એમણે બંગાળ વિધાનસભામાં એ મુજબનો ઠરાવ પસાર કરી જણાવ્યું હતું કે, અમે રાજ્યમાં આ ત્રણેયનો અમલ નહીં કરીશું. ભાજપાએ દિલ્હીમાં ખૂબ જ વાજતે ગાજતે રાષ્ટ્રવાદનો મુદ્દો આગળ મૂકી પ્રચાર કર્યો હતો જેમાં ભાજપના મોટા નેતાઓ જેમ કે, નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ અનેક કેન્દ્રીય મંત્રીઓ જોડાયા હતા. જ્યારે બીજી બાજુ ‘આપ’ પોતાના વિકાસના મુદ્દા અને નીતિઓને વળગી રહી હતી. મમતા બેનરજી બંગાળમાં ભાજપનો તીવ્ર સામનો કરી રહી છે. ભાજપા બંગાળમાં પગપેસારો કરવાના બધા પ્રયાસો કરી રહ્યું છે. ગત લોકસભાની ચૂંટણીઓમાં એમણે ૪રમાંથી ૧૮ બેઠકો કબજે કરી હતી જે મમતા માટે મોટો આંચકો હતો.