(એજન્સી) કોલકાતા, તા.રર
કોલકાતાના દેશાપ્રિયા પાર્ક ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે મુખ્યમંત્રી મમતા બેનરજી અને સ્વરાજ ઈન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી મમતા બેનરજીએ લોકોને તેમના મતભેદો ભૂલી દેશને બચાવવા વિભાજનવાદી દળો સામે લડત આપવા એક થવા હાકલ કરી હતી. મમતા બેનરજીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિને લોકોને એક રહેવા આહવાન કર્યું હતું. જો ભારત એક હશે તો ભાષા દિન સારા અર્થમાં સેવા દિન બનશે. જુદા-જુદા ધર્મના અને કોમોના લોકો જો એકતા દાખવશે તો ભાષા દિનનો હેતુ પાર પડશે. ભાજપ પર પ્રહારો કરતાં ટીએમસી નેતા મમતા બેનરજીએ લોકોને કહ્યું કે તેઓ ભાગલાવાદી બળો સામે લડત આપે. મમતા બેનરજી સીએએ, એનઆરસી, એનપીઆર સામે લડતનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, લડત ભલે અઘરી હોવા છતાં અંત સુધી લડીશું અને પીછેહઠ નહીં કરીએ. બંગાળી ભાષા દરેક બંગાળીનો આત્મા છે છતાં અમે તમામ ભાષાઓને માન આપીએ છીએ. માતૃભાષા માટે શહીદ થનારા શહીદોને શ્રદ્ધાંજલી અર્પી હતી. ર૧ ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઉજવાય છે. જે સાંસ્કૃતિક, ભાષાકીય અને વિવિધતાને પ્રોત્સાહન આપી જાગૃત્તતા ફેલાવવા ઉજવાય છે. બંગાળમાં વિવિધ કોલેજો દ્વારા માતૃભાષા દિન ઉજવાયો હતો. સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રિન્સિપાલની આગેવાની હેઠળ એક વિશાળ રેલી યોજાઈ હતી.