(એજન્સી) નવી દિલ્હી, તા.૧
સુપ્રીમ કોર્ટે ૧લી જુલાઈના રોજ પ. બંગાળ સરકાર સામે અવમાનનાની અરજી સંદર્ભે નોટિસ મોકલાવી છે. મમતા બેનરજીની સરકારે ભાજપ કાર્યકર્તાને સુપ્રીમ કોર્ટના આદેશ છતાંય મુક્ત કરવામાં વિલંબ કર્યો હતો. જેના પગલે રાજ્ય સરકાર સામે અવમાનનાની અરજી દાખલ કરાઈ હતી. મમતા બેનરજીના મીમે સોશિયલ મીડિયા ઉપર મૂકવા બદલ ભાજપ કાર્યકર્તાની ધરપકડ કરાઈ હતી. અરજીમાં આક્ષેપો મૂકાયા છે કે, સુપ્રીમ કોર્ટે ભાજપ કાર્યકર પ્રિયંકા શર્માને જામીન ઉપર મુક્ત કરવા આદેશ આપ્યો હતો, તેમ છતાંય એમને મુક્ત કરવામાં વિલંબ કરાયો હતો. સુપ્રીમ કોર્ટની સીજેઆઈ રંજન ગોગોઈની બેંચે કાર્યકર્તાના ભાઈ રાજીબ શર્મા દ્વારા દાખલ કરાયેલ અવમાનના અરજીના અનુસંધાને રાજ્ય સરકારને નોટિસ મોકલાવી હતી. ભાજપ યુવા મોરચાની નેતા પ્રિયંકા શર્માની ધરપકડ બંગાળ પોલીસે ૧૦મી મેના રોજ ઈપીકોની કલમ પ૦૦ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી કાયદા હેઠળ કરી હતી. તૃમણૂલ કોંગ્રેસ નેતાની ફરિયાદના પગલે ધરપકડ કરાઈ હતી. ૧૪મી મેએ સુપ્રીમ કોર્ટની વેકેશન બેંચે પ્રિયંકા શર્માના જામીન મંજૂર કર્યા હતા. રજીબ શર્માએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી આક્ષેપો મૂકયા હતા કે, સુપ્રીમ કોર્ટના આદેશ છતાંય એમની બહેનને ર૪ કલાક મોડેથી મુક્ત કરાયા હતા.