(એજન્સી) તા.૮
લોકસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન છતાં તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનરજીએ શુક્રવારે પાર્ટી કાર્યકરોને કહ્યું કે તે ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ફરીથી જીત મેળવવા માટે આશ્વસ્ત છે. સાથે જ મમતા બેનરજીએ ટીએમસીના ગદ્દારોને પાર્ટીછોડી દેવા પણ ચીમકી આપી હતી.
બાંકુડા અને ઝારગ્રામ જિલ્લાના પાર્ટી નેતાઓ સાથેની એક બેઠક દરમિયાન મમતા બેનરજીએ કહ્યું હતું કે ગદ્દારોએ પાર્ટીની સંભાવનાઓને નુકસાન પહોંચાડવાને બદલે પાર્ટી જ છોડી દેવી જોઇએ. ટીએમસીના બાંકુડાના એક વરિષ્ઠ નેતાએ બેઠક પછી કહ્યું હતું કે અમારા પાર્ટી નેતાએ કહ્યું છે કે તે ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં જીત પ્રત્યે આશ્વસ્ત છે. મમતા બેનરજીએ કહ્યું કે એવા નેતા જે પાર્ટીની અંદર ભાજપ માટે કામ કરી રહ્યાં છે તે પાર્ટી છોડીને જઈ શકે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે અમુક નેતાઓને જોરદાર ફટકાર પણ લગાવી હતી. ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના ફાળામાં ૪૪માંથી ૧૮ જેટલી બેઠકો આવી ગઈ હતી. જોકે તેના પહેલાની લોકસભા ચૂંટણીમાં ભાજપ ફક્ત ૨ જ બેઠક જીતી શક્યો હતો. જોકે હવે ભાજપનું વર્ચસ્વ ત્યાં વધ્યું છે. બીજી બાજુ મમતા બેનરજીએ પ્રશાંત કિશોરને આગામી વિધાનસભા ચૂંટણી માટે હાયર પણ કર્યા છે. જેઓ તેમને ભાજપનો સામનો કેવી રીતે કરવો તેના માટે માર્ગદર્શન આપશે.