(એજન્સી) કોલકાતા, તા. ૧૮
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું કે તેની સરકાર માઇગ્રન્ટ્‌સ (પ્રવાસીઓ)ને આશ્રય આપવા માટે તૈયાર છે. માઇગ્રન્ટ્‌સને આશ્રય આપવાનું માનવીય કર્તવ્ય છે. તેમણે એવું પણ કહ્યું કે તેમની સરકાર લઘુમતીઓ માટે સમાન વલણ અપનાવે છે અને તેઓ આંતર રાષ્ટ્રીય માઇગ્રન્ટ્‌સને આશ્રય આપવા માટે તૈયાર છે. મમતા બેનરજીએ ટિ્‌વટ કરીને જણાવ્યું કે આજે લઘુમતી અધિકાર દિવસ છે. આપણે બધા સરખા અને સંગઠિત છીએ. વિવિધતામાં એકતા આપણી તાકાત છે. તેમણે લઘુમતીઓ માટે પોતાના યોગદાન પર પ્રકાશ નાખતા લખ્યું કે તમને આ જાણીને ખુશી થશે કે બંગાળમાં અમે ૧.૭ કરોડથી વધુ લઘુમતી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી છે અને આ સમગ્ર દેશમાં સૌથી વધુ છે. માઇગ્રન્ટ્‌સના મુદ્દા અંગે મમતા બેનરજીએ જણાવ્યું કે આજે આંતરરાષ્ટ્રીય માઇગ્રન્ટ્‌સ દિવસ છે. માઇગ્રન્ટસને આશ્રય આપવાનું આપણું માનવીય કૃત્ય છે. બંગાળમાં અમે પોતાની ક્ષમતાએ અમારા રાજ્યમાં આશ્રય માગનાર દરેક વ્યક્તિની દેખભાળ કરીશું. નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ૨૦૦૦ની ૪થી ડિસેમ્બરે એક પ્રસ્તાવ પાસ કરીને સર્વસંમત્તિથી ૧૮મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માઇગ્રન્ટ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. આજે સમગ્ર વિશ્વમાં આશરે ૨૦૦ દેશ આ દિવસ ઉજવે છે અને માનવ અધિકાર કાયદાઓને આધારે ઇમિગ્રન્ટ્‌સની સ્વતંત્રતા, ધાર્મિક અધિકાર, ભોજન, આરોગ્ય, શિક્ષણ અને અન્ય મૂળભૂત માનવીય જરૂરિયાતો પુરી કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. તૃણમૂલ કોંગ્રેસના વડાં મમતા બેનરજી આસામના નેશનલ રજીસ્ટર ઓફસિટીઝન્સ (એનઆરસી)ના સંપૂર્ણ મુસદ્દામાંથી ૪૦ લાખથી વધુ લોકોને બાકાત રાખવામાં આવ્યા બાદ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અંગે ગંભીર છે. તેમણે જણાવ્યું કે યાદીમાં સામેલ નહીં કરવામાં આવેલા લોકો પશ્ચિમ બંગાળમાં આવીને રહી શકે છે. તેમણે એવું પણ કહ્યું કે તેઓ આસામના એનઆરસીમાંથી બાકાત રાખવામાં આવેલા લોકોની પડખે રહેશે. આરસી ડ્રાફ્ટ ૩૦મી જુલાઇએ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જ્યારે કેન્દ્ર અને આસામમાં ભાજપની સરકાર છે. ભાજપે મમતા બેનરજી સામે ગેરકાનૂની બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્‌સની હિમાયત કરવાનો આરોપ મુક્યો છે.