(એજન્સી) કોલકાતા, તા. ૨૧
ભાજપને નિશાન બનાવતા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આજે પોતાના ‘ભારત છોડો આંદોલન’ની શરૂઆત કરતા કોલકાતામાં વિશાળ રેલી યોજી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેમનો પક્ષ તૃણમુલ કોંગ્રેસ ‘બીજેપી ભારત છોડો’ નારા સાથે આગામી મહિને ત્રણ અઠવાડિયા સુધી અભિયાન ચલાવશે. તૃણમુલ શહીદ દિવસ રેલી દરમિયાન મમતાએ જણાવ્યું હતું કે, અમે ભાજપનો ભારતમાંથી સફાયો કરી દઇશું. આ અમારો પડકાર છે. કેન્દ્ર સરકાર અમને શારદા અને નરાડા કેસોથી ડરાવવા માગે છે પરંતુ અમે તેનાથી ડરતા નથી. અમે આ કેસોમાં કાંઇ ખોટું કર્યું નથી. અમે અમારૂ માથું નહીં ઝુકાવીએ.
મમતાએ જણાવ્યું કે, અમે દરેક લોકસભા, વિધાનસભા, બ્લોક, શહેર અને ગામોમાં આંદોલન ચલાવીશું. મેેં મારા તમામ સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરો તથા સ્થાનિક નેતાઓને આ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી છે. તેમણે સ્વતંત્રતા ચળવળની જેમ ભાજપ વિરોધી અભિયાન ચલાવ્યું છે. તૃણમુલ કોંગ્રેસ ૯મી ઓગસ્ટે પોતાની ચળવળનીશરૂઆત કરશે અને આજ દિવસે કોંગ્રેસે ૧૯૪૨માં ૭૫ વર્ષ અગાઉ અંગ્રેજો સામે ભારત છોડો આંદોલન શરૂ કર્યુ હતું. તેમણે એમ પણ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અમે ૧૮ પક્ષોએ મીરાં કુમારને સમર્થન આપ્યું હતંું અને હજુ પણ તમામ વિપક્ષોને ટેકો તેમને ચાલુ રહેશે. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી અમારૂ ગઠબંધન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપ માટે બાબતો સરળ નથી.
તેમણે જણાવ્યું કે, તેમનો પક્ષ ભાજપ સામે લડનારા તમામ પક્ષોને સમર્થન કરશે. બંગાળ સોનિયા ગાંધી, લાલુપ્રસાદ, નીતિશ કુમાર, અરવિંદ કેજરીવાલ અને ભાજપનો વિરોધ કરનારા તમામ સાથે ઉભો છે. તેમણે કેન્દ્ર પર રાજકીય દુશ્મનો સામે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાનો આરોપ મુકતા જણાવ્યું હતું કે, આ પક્ષોેએ નોટબંધી અને જીએસટીને ઉતાવળમાં લાગુ કરવાનો વિરોધ કર્યો હતો તે માટે તેમની સામે બદલો લેવાય છે.