(એજન્સી) નવી દિલ્હી, તા.૭
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકાતામાં તેમની કચેરીમાં ટોચની સમાચાર ચેનલ સાથે વાત કરી હતી અને તેમાં કેન્દ્ર અને ભાજપ સાથે તેમની લડાઇ વિશે ખુલાસાવાર વાત કરી હતી. જેમાં તેમની ટર્મ, વિપક્ષી ગઠબંધનને એક કરવાના પ્રયાસો, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથેના સંબંધો અને બીજી હરોળના નેતાઓને વિકસાવવાના તેમના પર આરોપો અંગે વાત કરી હતી.
સવાલ : તમે તમારા જીવનમાં ઘણા પડકારનો સામનો કર્યો છે પછી તે બાળપણ હોય કે પછી બાદમાં રાજનીતિમાં સામેલ થયા હોય. તમારા જીવનમાં અત્યારસુધી સૌથી મોટો સંઘર્ષ કયો છે ?
જવાબ : સંઘર્ષ મારા જીવનનો એક ભાગ છે. મારા પિતાના મુત્યુ બાદ અમને ઘણી મુશ્કેલી પડી પણ કોઇની મદદ માંગી નથી. અમે આત્મસંતોષી હતા. વિદ્યાર્થી કાળે મને પાઠ શીખવાડ્યો, તમારૂ માથું નીચું રાખો, સીધા ચાલો અને તમે જે કરો છો તેમાં આત્મવિશ્વાસ રાખો. ત્યારબાદ મેં ડાબેરીઓના ૩૪ વર્ષના ગેરવહીવટ અને ત્રાસને સહન કર્યો છે.
સવાલ : તમે વિપક્ષી ગઠબંધનના આધારબિંદુ છો, તમે લાગે છે કે, આ ગઠબંધન વ્યવહારૂ છે ?
જવાબ : હા, આ શક્ય છે. હું ઘણી આશાવાદી છું. આ એકદમ સરળ છે. દરેકે સાથે મળીને કામ કરવું જોઇએ. મારૂ માનવું છે કે, જ્યાં પણ જે મજબૂત હોય ત્યાં તેમને ચૂંટણી લડવા દો જ્યાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં તેને લડવા દો, જ્યાં સ્થાનિક પાર્ટી મજબૂત છે ત્યાં તેમને ચૂંટણી લડવી જોઇએ.