(એજન્સી) તા.૨૬
અફઘાનિસ્તાનના સ્પિનર રાશીદખાને શુક્રવારે આઈપીએલમાં મળેલો મેન ઓફ ધ મેચ એવોર્ડ તેના વતનમાં ક્રિકેટ મેચ દરમિયાન માર્યા ગયેલા લોકોને અર્પણ કર્યું હતું. આઈપીએલની સેમિફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હૈદરાબાદ સનરાઈઝર્સના સ્પિનર રાશીદખાને ૧૦ બોલમાં ૩૪ રન કર્યા હતા જ્યારે બોલિંગમાં તેણે ૧૯ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ શાનદાર દેખાવને કારણે હૈદરાબાદ સરનાઈઝર્સ ફાઈનલમાં પહોંચી ગઈ હતી તે હવે રવિવારે મુંબઈમાં આયોજિત આઈપીએલની ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. ૧૯ વર્ષીય રાશીદખાને મેચ પછી આયોજિત સમારોહમાં કહ્યું હતું કે, “હું મારા વતનમાં ક્રિકેટ મેચ દરમિયાન થયેલ વિસ્ફોટમાં માર્યા જનાર લોકોને આ એવોર્ડ અર્પણ કરવા માંગું છું”. આ મહિનામાં પૂર્વ અફઘાનિસ્તાનમાં એક ક્રિકેટ મેચ દરમિયાન શ્રેણીબ્રહ્મ વિસ્ફોટો થયા હતા. જેમાં આઠ લોકોનાં મૃત્યુુ થયાં હતાં અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા.