(એજન્સી) નવી દિલ્હી, તા.૧
વ્યાજની રકમ ચુકવી ન શકતા સતત ચર્ચામાં રહેલ સંકટગ્રસ્ત કંપની IL&FSના મેનેજમેન્ટ પર હવે સરકારનો કબ્જો છે. રાષ્ટ્રીય કંપની કાનૂન ન્યાયાધિકરણે IL&FSના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના પુનર્ગઠન માટે સરકારની અંતિમ મંજૂરી મેળવી લીધી છે. સરકાર તરફથી કોર્પોરેટ મામલાઓના મંત્રાલયે NCLTમાં એક અરજી કરી હતી.
હવે સરકાર IL&FSના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના ૬ સભ્યોની નિયુક્તી કરશે. નવા બોર્ડમાં કોટક મહિન્દ્રા બેંકના એમડી ઉદય કોટક, આઈએએસ ઓફિસર વિનીત નય્યર, પૂર્વ સેબીના ચીફ જીએન વાજપેયી, આઈસીઆઈસીઆઈના બેંકના પૂર્વ ચેરમેન જીસી ચતુર્વેદી, આઈએએસ ઓફિસર માલિની શંકર અને નંદ કિશોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા સભ્યોની પહેલી બેઠક ૮ ઓક્ટોબર પહેલા યોજાશે. હંમેશા એ રેટિંગ મેળવનાર IL&FS પર છેલ્લા કેટલાક વર્ષોમાં દેવાનો ડુંગર ખડકાયો હતો. છેલ્લા બે મહિનામાં સ્થિતિ વધારે બગડી હતી. મૂળ કંપનીની સાથે સાથે સહાયક કંપનીઓ વ્યાજ ચુકવવામાં ગલ્લા તલ્લા કરવા લાગી. IL&FS પર ૧૬ હજાર ૫૦૦ કરોડનું દેવું છે, જ્યારે બીજી સહાયક કંપનીઓ પર ૯૧ હજાર કરોડનું દેવું છે. આ દેવાની મોટા ભાગની રકમ બેંકો અને વીમા કંપનીઓ પાસેથી લેવામાં આવી છે.
સરકાર ભાગ્યે જ કોઈ ખાનગી કંપનીઓને પોતાના નિયંત્રણમાં લે છે. આવા કિસ્સાઓ બહુ ઓછા બને છે. ગયા વર્ષે ૨૦૧૭માં સરકારી કર્જ હેઠળ દબાયેલી કંપની રિયલ્ટી યૂનિટેક લિમિટેડ પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવા માગતી હતી તો સુપ્રીમ કોર્ટમાં સરકારને પડકાર આપવામાં આવ્યો. સરકારને આવું કરતા રોકવામાં આવી. ૨૦૦૯માં સરકારે સત્યમ કોમ્પ્યુટરને પોતાના કબ્જામાં લીધી હતી. કંપનીની અંદર એકાઉન્ટીંગ સ્કેમ સામે આવતા રોકાણકારો આઈટી સેક્ટરમાં રોકાણ કરતા ગભરાવા લાગી. રોકાણકારોના ભરોસાને પાછો લાવવા સરકારે મેનેજમેન્ટને પોતાના હાથમાં લીધું હતું. ત્યારબાદ ટેક મહિન્દ્રાને કંપની વેચવામાં આવી હતી.