(એજન્સી) લખનૌ,તા.૩૦
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરના પ્રશાસનની ઉદાસીનતા અને માનવતાને શરમાવે તેવી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં નાણાં ન હોવાના કારણે ગરીબ બાળકો ત્રણ દિવસો સુધી પોતાની મૃત માતાના શબના અંતિમ સંસ્કાર પણ ન કરી શક્યાં. તેઓ પોતાની માતાના મૃતદેહને ત્રણ દિવસ સુધી ઘરમાં જ રાખવા મજબૂર બન્યા. પ્રાપ્ત માહિતી અનુસાર શાહજહાંપુરના જુમકા ગામમાં ગીતા દેવી પોતાની ૪ પુત્રીઓ સાથે રહેતી હતી. જેનું સાપે ડંખ મારવાના કારણે મોેત થયું હતું. મહિલાને જ્યારે હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યારે તેના પરિવારજનો પાસેથી પાંચ હજાર રૂપિયાની માંગ કરવામાં આવી. પૈસા ન આપવાના કારણે ગીતા દેવીની સારવાર ન થતાં તેમનું મોત થયું. જ્યારે તેનો પતિ તેના અંતિમ સંસ્કાર માટે પોતાના માલિક પાસે એક હજાર રૂપિયા માંગવા ગયો તો તેણે રૂપિયા આપવાનો ઇન્કાર કરી દીધો. ત્યારબાદ ગીતા દેવીના પતિ અને તેમની ચાર પુત્રીઓ ૪ દિવસ સુધી લાશને ઘરમાં રાખીને બેસી રહ્યા. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા ઝારખંડના એક હોસ્પિટલમાં પચાસ રૂપિયા ન હોવાના કારણે બાળકનો ઇલાજ કરવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે બાળકનું મોત નિપજ્યું હતું.