(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
જીવતે જીવ કોઈને મદદરૂપ થવું તે સારી બાબત છે પણ મોત પછી અંગદાન કરી કોઈન મદદરૂપ થવું તે માનવતાનું ઉમદા કામ છે. આવા અદ્‌ભુત કાર્યનો એક કિસ્સો કોળી પટેલ સમાજના પરિવારે ઉજાગર કર્યો છે. આજે માતા-પિતા પોતાના બાળકને જોયા વગર એક પળ પણ રહી શકતા નથી. પણ શિલ્પાબેન અને ભરતભાઈ પટેલે પોતાના બ્રેઈનડેડ દીકરાના અંગોનું દાન કરી સમાજને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના ઉમરગામ ખાતે રહેતો ૧૬ વર્ષીય મીત ભરતભાઈ પટેલ ધો.૧૦ની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. દરમ્યાન તે ર૬ ફેબ્રુઆરીના રોજ તેના પિતા ભરતભાઈ સાથે ઝેરોક્ષ કરાવવા બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે ભીલાડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા મીત બાઈક પરથી નીચે પડતા તેને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક વાપી ખાતે હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતોે. જેથી ડોનેટ લાઈફની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી મીતના પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ મીતના પિતા ભરતભાઈએ જણાવ્યું હતું કે મારા દીકરાને કારણે કોઈને નવજીવન મળતું હોય તો તેઓ તેમના બ્રેઈનડેડ દીકરાના અંગોનું દાન કરશે. પરિજનોની સંમતિ મળતાં જ ડોનેટ લાઈફની ટીમે ડો.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની, લિવર અને સ્વાદુપિંડનું દાન લેવા આવવા માટે જણાવ્યું હતું. જેથી અમદાવાદના ડો.જમાલ રીઝવીએ તેમના આ અંગોનું દાન સ્વીકાર્યું હતું. જેથી મીતના આ અંગોનું ચાર વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાતા મીતના પરિવારે ચાર વ્યક્તિઓને જીવનદાન આપી માનવતાની મહેક પ્રસરાવી છે.