(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કરવા માટે જાણીતા છે. દર મહિને તેઓ ખાસ કાર્યક્રમ યોજી ‘મન કી બાત’ કરે છે ત્યારે કોંગ્રેસ પોતાના મન કી બાત નહીં પરંતુ પ્રજાને જે હાલ સૌથી વધુ મૂંઝવી રહી છે તે ‘મંદી કી બાત’ કાર્યક્રમ યોજવા જઈ રહી છે. આવતીકાલે અમદાવાદમાં યોજાનારા ‘મંદી કી બાત’ કાર્યક્રમમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાંપ્રદ અર્થતંત્ર ઉપર વિસ્તૃત વકતવ્ય આપશે.
ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસ દ્વારા આવતીકાલે ર૬મીએ સાંજે પઃ૩૦ કલાકે ગુજરાત સાહિત્ય પરિષદ ગોવર્ધનભવન આશ્રમરોડ અમદાવાદ ખાતે ‘મંદી કી બાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ આ કાર્યક્રમની શરૂઆત ગુજરાતથી કરવામાં આવશે. ત્યારબાદ દેશભરમાં ‘મંદી કી બાત’ કાર્યક્રમો યોજાશે.
હાલ દેશભરમાં ભયંકર મંદીનો દોર ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારની અણઘટ નીતિઓને કારણે મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે. ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. હજારો-લાખો લોકો બેકારીના ખટખરમાં હોમાઈ રહ્યા છે. અર્થતંત્રની હાલત એકદમ કથળી ગઈ છે. છતાં કેન્દ્ર સરકાર સબ સલામતની ગુલબાંગ પોકારી રહ્યું છે.
આવતીકાલે યોજાનારા ‘મંદી કી બાત’ કાર્યક્રમમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ મંદી અંગે ચર્ચા કરશે. દેશમાં ચાલી રહેલી મોંઘવારીને પણ મંદી સાથે સાંકળી લેવામાં આવશે સાથે સાથે ગુજરાતના અર્થતંત્રની કથળી રહેલી હાલત અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ વસાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ખાસ ઉપસ્થિત રહેશે.
‘મંદી કી બાત’ કાર્યક્રમની શરૂઆત ગુજરાત અને એ પણ અમદાવાદથી કરવા ભારતમાં જેટલા પણ સત્યાગ્રહો, ચળવળો કે ભારતને આઝાદી મેળવવાની શરૂઆત કરવામાં આવી તેનું કેન્દ્ર અમદાવાદ જ રહ્યું હતું. આથી ગુજરાતથી શરૂ થનારો આ મંદી કી બાત કાર્યક્રમ ચળવળની જેમ દેશભરમાં પ્રસરી જશે અને લોકોને મંદી અને મંદી માટેના કારણો સમજાવવામાં આવશે. જો કોંગ્રેસ આ જગ્યાએ શાસન પર હોત તો આ પરિસ્થિતિ નિવારી શકાત તે પણ લોકોને સમજાવશે.