ઢાકા,તા.૧૮
બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ દુર્ગાપૂજાના અવસર પર ઢાકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ ઢાકેશ્વરી મંદિરને ૫૦ કરોડ ટકા એટલે કે અંદાજે ૪૩ કરોડ રૂપિયાની કિંમતની દોઢ વીઘા જમીન ભેંટ આપવાનું એલાન કર્યું છે. ઢાકેશ્વરી મંદિરને જમીન દાનમાં આપીને તેમણે ૬૦ વર્ષ જૂની માગણી પૂર્ણ કરી છે. મુસ્લિમોની બહુમતીવાળા બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાને લઘુમતીઓના અધિકારોના હિમાયતી માનવામાં આવે છે. ઢાકેશ્વરી દેવી મંદિરને જમીન દાન કરીને શેખ હસીનાએ પોતાની લઘુમતી માટેની ઉદારવાદી છબીને મજબૂત કરવાની કોશિશ કરી હોવાનું માનવામાં આવે છે.
બાંગ્લાદેશના પાટનગર ઢાકાનું નામ પણ ઢાકેશ્વરી દેવીના નામ પરથી આપવામાં આવેલું છે. બાંગ્લાદેશમાં સાતથી આઠ ટકા જેટલા હિંદુઓની વસતી છે. શેખ હસીનાની પાર્ટી આવામી લીગની સ્થાપના સમયે જ તેને હિંદુઓનું સમર્થન મળ્યું છે. બાંગ્લાદેશમાં ડિસેમ્બરમાં સંસદીય ચૂંટણી યોજાવાની છે. છેલ્લા કેટલાક સમયગાળામાં ઢાકેશ્વરી મંદિરની ઘણી જમીન પર કબજો થઈ ચુક્યો છે. પરંતુ તાજેતરમાં શેખ હસીનાના નિર્દેશ હેઠળ બાંગ્લાદેશની સરકારે એક એગ્રિમેન્ટમાં મધ્યસ્થતા કરી અને જમીન મંદિરને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે શેખ હસીના સરકારનું સૂત્ર છે કે ધોર્મો જારજાર, ઉત્સોબ શોબાર એટલે કે ધર્મ કોઈનો પણ વ્યક્તિગત અધિકાર છે. પરંતુ તહેવારોનો સંબંધ સૌની સાથે છે. શેખ હસીનાની સરકાર પોતાના સૂત્રને જમીની સ્તર પણ અમલી બનતું હોવાનું મહેસૂસ કરાવવાની કોશિશ કરી રહી છે. ૨૦૧૭માં બાંગ્લાદેશમાં ત્રીસ હજારથી વધારે દુર્ગાપૂજા ઉત્સવોનું શાંતિપૂર્વક આયોજન થયું છે.
બાંગ્લાદેશનાં વડાપ્રધાને દુર્ગાપૂજાના અવસર પર હિંદુ મંદિરને આપી કરોડોની જમીન

Recent Comments