(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં અમલસાડી ગામની સીમમાં બે મોટર સાયકલો સામસામે ટકરાય હતી.જેથી સર્જાયેલા અકસ્માતમાં એક ૧૯ વર્ષીય યુવાન શરીરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં લાખી ગામે રહેતા તેજસભાઈ ધીરુભાઈ ચૌધરી (૧૯) નાઓ હીરોહોન્ડા સ્પ્લેંન્ડર મોટરસાઇકલ નંબર જીજે-૧૯-એપી-૩૫૨૦ લઈ અન્ય મિત્ર સાથે માંડવી તાલુકાનાં અમલસાડી ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી પૂરઝડપે આવતી મોટરસાયકલ નંબર જીજે-૧૯-એજે-૫૯૪૯ ના ચાલકે સામેથી અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેજસભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું જ્યારે બે મોટરસાયકલ પર બેઠેલા અન્ય ત્રણ વ્યક્તિઓને વધતી ઓછી ઇજા પહોંચતા સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.