સિડની, તા.૨૬
બોલ ટેમ્પરિંગ વિવાદમાં દોષી જાહેર કરવામાં આવેલા ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્‌સમેન કેમરૂન બેનક્રોફ્ટની સજા પૂરી થવા આવી છે. આ સ્થિતિમાં તેણે કોઈને અપેક્ષા પણ નહોતો તેવો મોટો ખુલાસો કર્યો છે. બોલ ટેમ્પરિંગમાં સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરને એક-એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.
બેનક્રોફ્ટે કહ્યું કે, ડેવિડ વોર્નરે કેપટાઉન ટેસ્ટમાં બોલ સાથે ચેડાં કરવા માટે ઉશ્કેર્યો હતો. હું ટીમમાં મારી ઉપયોગિતા સાબિત કરવા માટે રાજી થઈ ગયો હતો. આ માટે હું પણ જવાબદાર છું કારણ કે તે સમયે મને તે જ યોગ્ય લાગ્યું હતું. મારે આ ભૂલની મોટી કિંમત ચુકવવી પડી. મારી પાસે વિકલ્પ હતો અને મેં મોટી ભૂલ કરી.
બેનક્રોફ્ટે કહ્યું કે, જો હું વોર્નરની સલાહ ન માનત તો તેમને લાગત કે હું ટીમના હિતના બદલે પોતાના હિતનું વિચારી રહ્યો છું. ગત સપ્તાહે બેનક્રોફ્ટે સ્વીકાર્યું હતું કે, તે આ રમતથી દૂર જતો રહ્યો હતો અને યોગ ટિચર બની ગયો હતો.