(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.પ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એકપણ મુસ્લિમ ઉમેદવાર ન ચૂંટાય તેવા અથાગ પ્રયત્નો ભાજપે શરૂ કરી દીધા છે. તેના ભાગરૂપે સૌપ્રથમ નિશાન પર દરિયાપુર વિધાનસભા બેઠકને લીધી છે. જેમાં પોતે સીધી રીતે ન સંડોવાય તેને ધ્યાને રાખી એનસીપી, જનવિકલ્પ કે આપમાંથી મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ એનસીપી કે જનવિકલ્પમાંથી મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર ન થતાં આમ આદમી પાર્ટી અને અપક્ષમાંથી કોઈપણ ભોગે મુસ્લિમ ઉમેદવારને ઊભા રખાવવાની ક્વાયત શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ચૂંટણીઓ હારવા જઈ રહી છે ત્યારે ભાજપ તેની બી-ટીમ જનવિકલ્પ પાર્ટી, એનસીપીમાંથી લઘુમતી, દલિત અને ક્ષત્રિય સમાજમાંથી ઉમેદવારો ઊભા રખાવી કોંગ્રેસની જીતને અટકાવવા માટે પેંતરાઓ રચી રહી છે. શંકરસિંહ વાઘેલાનો જનવિકલ્પ અને એનસીપી ગુજરાત રાજ્યની પ્રજા સમક્ષ ભાજપની બી-ટીમ તરીકે ખુલ્લા પડી ગયા છે. શંકરસિંહ વાઘેલા તથા એનસીપીના નેતા પ્રફુલ પટેલના અથાગ પ્રયત્નો છતાં મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર થતાં નથી. તેવા સમયે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની જોડીએ રણનીતિ બદલીને આપ પાર્ટીમાંથી મુસ્લિમ ઉમેદવારને ચૂંટણી લડાવવા કારસો રચ્યો છે, લઘુમતી સમાજના મતદારોની સંખ્યા ધરાવતી સીટો ઉપર આપ પાર્ટીમાંથી મુસ્લિમ ઉમેદવારોને શામ-દામ-દંડ-ભેદની નીતિ અખત્યાર કરી ચૂંટણીમાં ઊભા રખાવવાની ક્વાયત શરૂ કરી છે. જે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કામે લગાડી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને આપ પાર્ટીમાંથી ચૂંટણી લડાવવા લાખો રૂપિયાની લાલચ આપવામાં આવી છે.
ગ્યાસુદ્દીન શેખે વધુમાં જણાવ્યું કે, ગઈકાલે શાહપુરમાં મારી સાથે ઘટેલ ઘટના પછી કલાકોમાં જ મને સચોટ માહિતી મળી હતી કે ભાજપના સીધા દોરીસંચારથી આપ પાર્ટીના દરિયાપુર એકમના આગેવાનોએ અસામાજિક પ્રવૃત્તિ કરતાં શખ્સને હાથો બનાવી ઘટનાને અંજામ આપ્યો છે. અમિત શાહના નજીક ગણાતા એક માજી મ્યુનિ. કાઉન્સિલર જે ભાજપમાંથી ટિકિટનો પ્રબળ દાવેદાર છે તેના દ્વારા રાઈફલ કલબ ખાનપુર ખાતે આપ પાર્ટીના દરિયાપુર એકમના મુસ્લિમ આગેવાનોને સપ્તાહ પહેલાં બોલાવી આપ પાર્ટીમાંથી દરિયાપુરમાં મુસ્લિમ ઉમેદવાર ઊભો રાખવા માતબર રકમની ગોઠવણ કરી હોવાની સચોટ માહિતી મને મળેલ છે. મતદાર યાદીમાં કરેલ છેતરપિંડી ખુલ્લી પડી જતાં ભાજપે નવો પેંતરો અજમાવી આમ આદમી પાર્ટી તથા અપક્ષ તરીકે મુસ્લિમ ઉમેદવાર ઊભો રખાવી મને હરાવવાનો કારસો રચ્યો છે. પરંતુ તે કદીય સફળ થવાના નથી. ભાજપના છેલ્લી કક્ષાના ષડયંત્રો છતાં મેં સર્વધર્મ સમભાવની નીતિ દ્વારા ભેદભાવ વગર તમામ ધર્મ અને જ્ઞાતિના લોકોના વિકાસના કાર્યો કર્યા છે. મને વિશ્વાસ છે કે પ્રજાના આશીર્વાદથી હું ર૦,૦૦૦ કરતાં વધુ મતોથી ચૂંટણી જીતવાનો છું. હું ગુજરાતના સમગ્ર સમાજને જાગૃત કરવા માંગું છું કે ભાજપની બી-ટીમ જનવિકલ્પ, એનસીપી, આમ આદમી પાર્ટીથી સચેત રહી રાજકીય જાગૃતિ દાખવી ભાજપના ષડયંત્રને નિષ્ફળ બનાવે.