(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
આજરોજ કોંગ્રેસ સમિતિ ખાતે ભાજપના ઈશારે કેટલાક કોંગ્રેસી આગેવાનીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી મીડિયા સમક્ષ જાહેરમાં ગેરજવાબદાર નિવેદનો આપી મારી સામે જુઠા આક્ષેપો કર્યા છે. તે દુઃખદ બાબત છે. હું પક્ષનો એક વફાદાર સૈનિક છું. હાઈકમાન્ડનો જે નિર્ણય હશે તે મને મંજૂર છે. એમ એક નિવેદનમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વધુમાં જણાવ્યું છે કે, ભાજપના ઈશારે દરિયાપુર વિધાનસભામાં કોંગ્રેસને હરાવવા આગેવાની લેનાર અને શાહપુર બોરસલ્લી એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ બ્રહ્મભટ્ટની લુખ્ખાગીરીથી કંટાળી સ્થાનિક લોકોએ આજથી બે વર્ષ પહેલાં મારીને તડપાર કર્યો છે. બોરસલ્લી એપાર્ટમેન્ટના તેના ઘરે તાળું છે. હાલ તે સોલા હોસ્પિટલ પાસે રહે છે. રાજેશ બ્રહ્મભટ્ટ ભાજપના નેતા ભરત બારોટનો સગો છે અને ર૦૧રની ચૂંટણી વખતે પણ તેમણે ભાજપ માટે જ કામ કરીને કોંગ્રેસ પક્ષની સાથે ગદ્દારી કરી હતી. તે જ રાજેશ બ્રહ્મભટ્ટ કેટલાક કોંગ્રેસી આગેવાનોને ફરીથી હાથા બનાવીને ભાજપ વતી પ૦ લાખ રૂપિયાની લાલચ આપીને કોંગ્રેસને હરાવવા અપક્ષ તથા નાના પક્ષોમાંથી ઉમેદવારી કરવા જાહેરમાં ઉશ્કેરી રહ્યા છે.
પક્ષના તમામ સભ્યોને અધિકાર છે કે ટિકિટની માગણી કરી શકે અને જો એમને કોંગ્રેસ હાઈકમાન્ડ ટિકિટ આપશે તો હું તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટીને પરાજિત કરવા પક્ષના જે કોઈ ઉમેદવાર હશે તેને ઈમાનદારીપૂર્વક જીતાડીશ. મેં રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપ દ્વારા ર૦ કરોડ રૂપિયા અને મંત્રીપદની ઓફરને લાત મારી હતી અને અસામાજિક તત્ત્વો સામે હંમેશા લડતો આવ્યો છું. દારૂ, જુગાર અને ડ્રગ્સ બાબતે મેં હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરી હતી.