(એજન્સી) નવી દિલ્હી,તા.રપ
ગોપાલ કાંડાના ત્રાસના લીધે આત્મહત્યા કરનાર એરહોસ્ટેસ ગીતિકા શર્માના ભાઈ અંકિત શર્માએ ખૂબ જ વ્યથિત થઈને કહ્યું છે કે તમે એવા વ્યકિતને કઈ રીતે સત્તા આપી શકો છો જેમણે કોઈ યુવતીનું જીવન બરબાદ કરી એને આત્મહત્યા કરવા મજબૂર કર્યું હોય.
ર૦૧રના વર્ષમાં ર૩ વર્ષીય એરહોસ્ટેસ ગીતિકા શર્માએ દિલ્હીમાં આત્મહત્યા કરી હતી. એમણે સ્યુસાઈડ નોંધ મુકી હતી. જેમાં ગોપાલ કાંડાને આત્મહત્યા માટે જવાબદાર ઠરાવ્યા હતા. અંકિત શર્માએ કહ્યું પોલીસે ૧૮૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. એમાં વિગતે જણાવ્યું હતું કે કોઈ રીતે ગોપાલ કાંડાએ મારી બહેનનું જીવન બરબાદ કર્યું હતું. એમાં બધા પુરાવાઓ દર્શાવાયા છે પણ જો સમયસર ટ્રાયલ નહીં થાય તો ચાર્જશીટ અર્થહીન થઈ જાય છે. હું છેલ્લા ૭ વર્ષથી બહેન અને માતાનું દુઃખ સહન કરી રહ્યો છું અને હજી કોર્ટમાં ટ્રાયલ વખતે વધુ સહન કરવું પડશે. આવી વ્યકિતને વી.આઈ.પી. સન્માન મળે એ હું કઈ રીતે જોઈ શકું. એ મારી આત્માની હત્યા હશે. અંકિત વધુમાં જણાવ્યું છે કે, જે લોકો કાંડાથી સમર્થન લેવા જઈ રહ્યા છે એમણે કાંડાનો ભૂતકાળ જોવો જોઈએ. એમણે કાંડા ઉપર પુરાવા નાશ કરવાના અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનાં પણ આક્ષેપો મુકયા હતા.