(એજન્સી) તા.૩
જમ્મુ અને કાશ્મીરમાં લોકોના ગુમ થવાનો આંકડો વધતો જતો હોવાથી ભારે ચેતવણી ઉચ્ચારાઇ છે. એશિયાના અનેક દેશોમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે જે ચિંતાજનક બાબત છે. માનવાધિકાર સંગઠન અનુસાર નેપાળમાં લગભગ ૯૦૦ જેટલા ગુમ છે, જ્યારે પાકિસ્તાનમાં ૧૫૩૨ તો બાંગ્લાદેશમાં ૩૨૯, ફિલિપાઈન્સમાં ૧૧૬૬ , ઈન્ડોનેશિયામાં ૧૨૭૦, થાઈલેન્ડમાં ૨૯૩, ટિમોર લેસ્ટેમાં ૪૨૮ જેટલા લોકો ગુમ છે. જેમની કોઈ ભાળ મળી નથી. જોકે જમ્મુ કાશ્મીરમાં ૮૦૦૦ લોકો એવા છે જે અસ્વૈચ્છિક રીતે ગુમ છે કે પછી તેની પાછળ કોઇ અન્ય કારણ છે. જે અન્ય એશિયન દેશોની તુલનાએ સૌથી વધુ છે. જોકે ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો ગુમ થવાની સંખ્યા હોવા છતાં અન્ય એશિયન દેશોએ આ મામલે તપાસ સમિતિની રચના કરી છે અને પીડિતોને ન્યાય અપાવવા માટે ભરપૂર પ્રયાસો શરૂ કરી દીધા છે પણ ભારત જ એવો દેશ છે જ્યાં આ મામલે કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી અને કોઇપણ જાતની તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી નથી. જોકે આ મામલે એપીડીપી પણ લગભગ બે દાયકાથી માગણી કરી ચૂકી છે. રાજ્ય સરકારના સ્ટેટ હ્યુમન રાઈટ્‌સ કમિશન તથા અન્ય આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન જેમ કે યુએન ઓએચસીએચઆર અને યુરોપિયન સંસદ દ્વારા ૨૦૧૧ અને ૨૦૧૭માં ભલામણ કરવા છતાં ભારત સરકારે આ મામલે કોઈ ખાસ કાર્યવાહી કરી નથી. તેઓએ ડીએનએ ટેસ્ટ કરવા માટે પણ ભલામણ કરી હતી. જે દેશોમાં ગુમ થનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હોવા છતાં એવા દેશોએ યુએનનની યુએનડબ્લ્યૂજીઈઆઈડી નામના સંસ્થાને તેમના દેશમાં પ્રવેશ કરીને ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટેની મંજૂરી આપી છે અને તેમને સમગ્ર સ્થિતિનું આકલન કરવાની પણ છૂટ આપી છે. પણ ભારત સરકાર આ મામલે રાજી નથી અને તેણે જમ્મુ કાશ્મીરમાં આવી કોઈ સંસ્થાને કાર્યવાહી કરવાની મંજૂરી નથી આપી. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન ઈન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ જેવા સંસ્થાનોને તેમના ઓપરેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે.