(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૪
ગુજરાતમાં પાટીદાર સમાજની અનામત ક્વોટાની માગણીઓ તથા ખેડૂતોના પ્રશ્નો અને પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સહિતના ઈશ્યુઓને લઈ કોંગ્રેસ દ્વારા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની કરાયેલી માગણી આખરે સરકાર દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ સાથે સરકાર તરફથી વિશેષ સત્ર બોલાવવાની એવી કોઈ જરૂરિયાત લાગતી ન હોવાનું જણાવી કોંગ્રેસ પર ખાલી કાગારોળ અને હોબાળો મચાવવાના તેના કલ્ચરના આક્ષેપો કર્યા હતા.
વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા અંગેની માગણી કરતો પત્ર વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શનિવારે પાઠવ્યો હતો. જેમાં તેમણે પાટીદારોની અનામતની માગણી, ખેડૂતોના પ્રશ્નો તથા બળતણના ભાવોમાં બેફામ ભાવવધારો અને પાણીની તંગીની સ્થિતિ વગેરે ઈશ્યુઓ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી તેમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. દરમિયાન સરકાર તરફથી વિપક્ષ નેતાની આ માગણી ફગાવી દેવામાં આવી છે અને હાલમાં વિશેષ સત્રની કોઈ આવશ્યક્તા લાગતી ન હોવાનું જણાવાયું છે. સરકારના મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને છેલ્લા બે મહિનામાં વિપક્ષ દ્વારા કોઈ નવા ઈશ્યુ બહાર લાવવામાં આવ્યા ન હોઈ નવા ઈશ્યુ બહાર લાવવામાં આવ્યા ન હોઈ વિધાનસભા સત્ર બોલાવવાની કોઈ જરૂરિયાત જણાતી નથી એમ જણાવ્યું હતું. તેમણે વધુમાં કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હતું ત્યારે કોંગ્રેસ પક્ષ ખોટા હોબાળા મચાવી ગૃહનો સમય બરબાદ કરતું હતું. વિધાનસભાના વિશેષ સત્ર બોલાવવાની માગણીથી કોંગ્રેસ માત્ર મીડિયા (માધ્યમો)માં ચમકવા (પ્રસિદ્ધ) માંગે છે એમ વધુમાં તેમણે ઉમેર્યું હતું.