(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૧
જૂનાગઢ મહાનગરપાલિકાનાં ૯૩૬ જેટલાં કર્મચારીઓ આજે વિવિધ માંગણીઓ સબબ હડતાળ ઉપર ઉતરી ગયેલ છે. સાતમાં પગારપંચનો લાભ આપવાની માંગણી સાથે આ હડતાળ જારી થઈ હોવાનું જાણવા મળે છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ મળવો જ જોઈએ તેવી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. ઉપરાંત જનરલ બોર્ડમાં પણ નિર્ણય લેવાયો છે. તેમ છતાં આજ દિવસ સુધી આ કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ મળ્યો નથી. આ બાબતે આખરી અલ્ટીમેટમ આપી દીધા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગઈકાલથી વિવિધ કાર્યક્રમો અપનાવવામાં આવી રહ્યાં છે. બે દિવસ કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો પરંતુ યોગ્ય કાર્યવાહી થઈ નથી. જેથી આજથી કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતાં જૂનાગઢ શહેરમાં અનિશ્ચિત સમય સુધી પાણી, સ્ટ્રીટલાઈટ અને સફાઈ સેવા બંધ પડી જશે.
દરમ્યાન મનપાના કર્મચારી મંડળનાં મીડિયા ઇન્ચાર્જ દેવાંગ જોષીએ જણાવ્યું છે કે, ઓફિસ કર્મચારી મહાસંઘના પ્રમુખ નરેન્દ્રભાઈ જેઠવા, મંત્રી દેવાભાઈ ગરચર, મ્યુનિસિપલ એમ્પ્લોઈઝ યુનિયનના સહમંત્રી કે.ડી.સગારકા, સફાઈ કામદાર મંડળના પ્રમુખ જે.ડી.ચુડાસમા, મંત્રી શાંતિલાલ ટીંમણીયા વગેરેનાં આદેશ મુજબ બુધવારથી અનિશ્ચિત સમય સુધી હડતાળ પાડવામાં આવી છે. જેમાં પાણી વિતરણ, ગટરનાં પ્રશ્નો, સ્ટ્રીટલાઈટ અને સફાઈ જેવી કામગીરી સદંતર ઠપ્પ કરી દેવામાં આવશે. ગુજરાતનાં ૮ કોર્પોરેશન પૈકી ૭ કોર્પોરેશનમાં ૭મું પગાપંચ લાગુ કરી દેવામાં આવ્યું છે.
એક માત્ર જૂનાગઢ કોર્પોરેશન જ ૭માં પગારપંચ મામલે નનૈયો ભણે છે. આ અંગે અગાઉ અનેક વખત રજૂઆતો, આંદોલનો કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ૧પ દિવસનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. બાદમાં બે દિવસ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તેમ છતાં જૂનાગઢ મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતાં આખરે એલાને જંગમાં ઉતરવું પડ્યું છે.
જૂનાગઢ મનપાના કર્મચારીઓ દ્વારા ૭માં પગારપંચના અમલની માગણી સાથે હડતાળ

Recent Comments