માંગરોળ, તા.ર
તાજેતરમાં એટ્રોસિટી એક્ટના કાયદામાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એના વિરૂદ્ધમાં તમામ વિપક્ષો અને વિવિધ એનજીઓ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
આજે અપાયેલ ભારત બંધના એલાનમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓ પણ જોડાયા હતા. સવારથી જ વાંકલ-ઝંખવાવ-વાડી-કેવડી-ઉમરપાડા જેવા મોટા સેન્ટરો ખાતે વેપાર-ધંધા સંપૂર્ણ બંધ રહ્યા હતા. જો કે શાળાઓ અને કોલેજમાં પરીક્ષાઓ ચાલતી હોય, બંધમાંથી એમને મુક્ત રાખવામાં આવ્યા હતા. જ્યારે ડો.ભીમસાહેબ આંબેડકર ફાઉન્ડેશનના નેતૃત્વમાં માંગરોળ તાલુકાના પીપોદરા ખાતેથી એક રેલી નીકળી હતી જે કીમ ચોકડી થઈ કોસંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પહોંચી ઓવરબ્રીજ ઉપર ટાયરો સળગાવી રાષ્ટ્રીય ધોરીમાર્ગ આઠ ઉપર ટ્રાફિકજામ કરી દીધો હતો ત્યારબાદ આ રેલી મોસાલી ચાર રસ્તા ખાતે આવી હતી અને ત્યાંથી માંગરોળ મામલતદાર કે.ડી. કોળીને એક આવેદનપત્ર પેશ કર્યું હતું.
મોડી સાંજે માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે મુખ્ય બજારમાં આવેલી ક્રિષ્ના હોટલના માલિકે બંધમાં સહકાર ન આપતાં ગામના મનુભાઈ વસાવા નામના શખ્સે આ હોટલના કાચના ભૂક્કા બોલાવી દીધા હતા. આ બનાવની જાણ માંગરોળ પોલીસને કરાતા પીએસઆઈ એ.બી. મોરી પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઝંખવાવ મુકામે બનાવ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.