માંગરોળ,તા.૧૭
માંગરોળ ખાતેથી આજે ૧૦૨ હાજીઓનો પ્રથમ કાફલો હજ અદા કરવા માટે સઉદી અરેબિયા રવાના થયો છે. હજ કમીટીમાં પાંચ વર્ષ પછી પણ નંબર ન આવતા માંગરોળમાથી મોટી સંખ્યામાં લોકો અન્ય મોટા શહેરોના ખાનગી ટૂર દ્વારા હજ અદા કરવા જતાં હોય છે. ત્યારે સૌપ્રથમ વાર માંગરોળના ટૂર દ્વારા ૧૦૨ હાજીઓનો કાફલો રવાના થતાં લોકોની આંખોમાંથી હર્ષના આસુ સરી પડ્યા હતા. જોકે ઓફીશ્યલી વર્કની અનેક અટકળો બાદ મૌલાના ઇકબાલ બિલ્લીએ આકરી કસોટી પાર કરી સફળતા પૂર્વક હાજીઓનો રવાના કરતાં લોકોએ તેમને બિરદાવ્યા હતા. માંગરોળનો આ કાફલો બુધવારે સવારે ૬ કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી મદીના તરફ રવાના થાશે. આ વર્ષે માંગરોળ ખાતેથી ગુજરાત રાજ્ય હજ કમીટીના ૧૪૫ હાજીઓ સહિત કુલ ૩૪૫ જેટલા હાજીઓ હજ અદા કરવા મક્કા મદીના જશે. મુસ્લિમ ગરીબ હોય કે ધનવાન પોતાની જીવનકાળમાં એકવાર હજ કરવાની આશ લગાવી બેઠો હોય છે. ત્યારે માંગરોળમાથી આ વર્ષે હજમા જનારાઓના આ પ્રથમ કાફલાને મુબારકબાદી આપવા અને દુઆઓની દરખાસ્ત કરવા ધોધમાર વરસાદમા પણ હજારો લોકો માર્કેટીંગ યાર્ડ ખાતે જમા થઈ ગયા હતા. ત્યારે હાજીઓ પણ હર્ષના આંસુ સાથે લબ્બેક અલ્લાહુમ્મા લબ્બેક કરતાં રવાના થયા હતા.