(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, તા.૧૪
આજે ભાજપની વિકાસ ગૌરવયાત્રા માંગરોળ ખાતે ૩ઃ૩૦ કલાકે આવનાર હતી પરંતુ સવારથી જ ત્રણ કલાક આ યાત્રા મોડી શરૂ થતાં સાડાચાર વાગ્યે પણ માંગરોળ ખાતે આ યાત્રા આવી શકી ન હતી.
પરંતુ પોલીસને માહિતી મળી કે કોંગી કાર્યકરો યાત્રાનો વિરોધ કરનાર છે જેથી યાત્રા માંગરોળ ખાતે આવે એ પહેલાં જ કોંગ્રેસ આગેવાન અને માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુરેશ વસાવા, સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ઈરફાન મકરાણી, મહંમદ જે.પી. સહિત ૧રથી ૧પ કાર્યકરોને ડીટેઈન કરી, વાંકલ આઉટ પોલીસ ચોકી ખાતે લઈ જવાયા હતા. આ કાર્યકરોને ડીટેઈન કરાતા કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે ગઈકાલે તા.૧૩ના તાલુકા યુથ કોંગ્રેસના રાજ રાઠોડ સહિત ત્રણ કાર્યકરોને ડીટેઈન કરી લેવાયા હતા. જ્યારે સુરત જિલ્લા બી.ટી.એસ.ના પ્રમુખ ઉત્તમભાઈ વસાવા સહિત બી.ટી.એસ.ના ચાર આગેવાનોને નાની નરોલી ખાતે નજર કેદ કરી લેવામાં આવ્યા હતા. યાત્રાનો વિરોધ ન થાય એ માટે સુરત-ડાંગ-તાપી જિલ્લાની પોલીસનો કાફલો માંગરોળ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો.