મોટામીયા માંગરોળ, તા.૪
માંગરોળ તાલુકામાં લુવારા ગામના સરપંચ અને એના પુત્ર સામે માર મારવા તથા જાનથી મારી નાખવા સંદર્ભે માંગરોળ પોલીસ મથકે એફઆઈઆર દાખલ થઈ છે.પોલીસ મથકે દાખલ કરાયેલ એફઆઈઆરમાં જણાવાયું છે કે લુવારા ગામના માટું ફળિયું ખાતે રહેતા અરવિંદ બીજલ વસાવા (ઉંમર ૪પ વર્ષ) આજે એની મોટર સાયકલ ઉપર પોતાની દીકરી લસુબેન બીમાર હોય એને બેસાડી કંટવા ગામે દવા લેવા જતા હતા. એ દરમ્યાન ગામની પોસ્ટ ઓફિસ પાસે ગામના સરપંચ કાંતિભાઈ ભગુભાઈ વસાવા ઊભા હતા. જેથી અરવિંદભાઈએ એમની પાસે પોતાની મોટર સાયકલ ઊભી રાખી પોતાનો સાળો નામે કમલેશ હીરા વસાવાનું સરકારી આવાસ મંજૂર થયેલ હોય, આ આવાસ બાંધવા જગ્યાની ફાળવણી કરી આપવાનું સરપંચને કહેતા, સરપંચે જણાવ્યું કે ખોટી વકીલાત કરવાની નહીં, જગ્યા ફાળવવી એ મારી ઈચ્છાની વાત છે કહી ગાળો આપવાનું શરૂ કરી, એક ઝાપટ ગાલ ઉપર લગાવી દીધી હતી. મારી પુત્રીએ મારવાની ના પાડતા, સરપંચ પુત્ર સંજય ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને એને મારી પુત્રી લસુને ગાલ ઉપર ઝાપટ મારી દીધી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરોક્ત વિગતોવાળી એફઆઈઆર માંગરોળ પોલીસે દાખલ કરી, બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી છે.