(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૨
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માનખેત્રા ગામની સીમમાં રાત્રે દલિત મહિલા અને તેના પુત્ર અને બે પુત્રીની નિર્મમ હત્યા થતાં ચકચાર મચી ગયો છે. હત્યારાએ ચારેયની લાશ અને હથિયાર સગેવગે કરવા માટે સેપ્ટીક ટેન્કમાં નાખી દીધા હોવાનું પ્રકાશમાં આવેલ છે. આ અંગે મૃતક મહિલાના પિતાએ રૂદલપુરના શખ્સ વિરૂદ્ધ આશંકા સાથેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર માંગરોળ પંથકમાં ખળભળાટ મચાવનાર ૪ હત્યાના બનાવની વિગતો એવી છે કે, માંગરોળ તાલુકાના માનખેત્રા ગામની સીમમાં વાડીએ રહેતા દલિત દેવરાજભાઈ સોમાભાઈ ગોહેલની પત્ની શારદાબેન (ઉ.વ.૩૫), પુત્રો ઋત્વિક (ઉ.વ.૧૩), પુત્રી ડોલી (ઉ.વ.૧૨) અને નેહા (ઉ.વ.૭)ની ગતરાત્રીના ૯થી રાત્રીના અઢી વાગ્યા સુધીમાં હત્યા થયાનું બહાર આવેલ છે. મરનાર મહિલા અને તેના ત્રણ સંતાનો ઘરે એકલા હતા. પતિ દેવરાજભાઈ ગોહેલ વેરાવળ ખાતે ફિશરીઝના કવાર્ટરના ચોકીદાર તરીકે નોકરી કરતા હોય રાત્રીના ૯ સુધી ઘરે પરત આવ્યા ન હતા. ચારેય મા-છોરૂની તિક્ષ્ણ હથિયારથી હત્યા થયેલી લાશ સેપ્ટીક ટેન્કમાંથી મળી આવી હતી. આ અંગેની જાણ થતાં માંગરોળ ખાતેથી તેમજ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સીસોદિયા, માંગરોળના પીએસઆઇ રાઠોડ વગેરે દોડી ગયા હતા. ચાર હત્યાના બનાવ પાછળનું ચોક્કસ કારણ બહાર આવેલ નથી પરંતુ મૃતક મહિલાના રાજકોટ પાસેના શાપર-વેરાવળ ખાતે રહેતા પિતા દાનાભાઇ પુંજાભાઇ મેવાડાએ શારદાબેનના પરિવાર સાથે રહેતો મહેન્દ્ર ઉર્ફે જીકો દેવરાજ પરમાર સામે શક દર્શાવતી ફરિયાદ નોંધાવી છે. મહેન્દ્ર ઉર્ફે જીકો માંગરોળના રૂદલપુર ગામનો વતની છે અને તે મૃતકના પતિ દેવરાજ ગોહેલના ફઇનો દીકરો થાય છે. આ ઇસમ દેવરાજના પરિવાર સાથે છેલ્લા ૩ વર્ષથી રહેતો હતો અને ખેતીનું કામ કરતો હતો. હાલ મહેન્દ્ર ઉર્ફે જીકો ગુમ હોય તેણે શારદાબેન અને તેના ત્રણ સંતાનોની હત્યા નિપજાવ્યાની શંકા દૃઢ બની છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવેલ નથી. ચારેયની હત્યા પાવડો અને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. માંગરોળ ખાતે સરકારી હોસ્પિટલમાં ચારેયના મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ છે. એસપી નિલેશ જાજડિયાની સૂચના અને માર્ગદર્શન સાથે એલસીબી, પીઆઇ એ.બી.સિસોદિયા અને સ્થાનિક પીએસઆઇ એચ.વી.રાઠોડ વગેરેએ તપાસ હાથ ધરી છે. હત્યા અંગે ડોગ, એફએસએલ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત વગેરેની પણ મદદ લેવામાં આવી છે. માંગરોળ-માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજા, દલિત આગેવાનો, પાલિકાના પ્રમુખ- મનીષ ગોહેલ માજી પ્રમુખ મો. હુસેન જેઠવા ઝાલા, તેમજ મુસ્લિમ આગેવાનો પણ દોડી આવ્યા હતા.

પોલીસની ખાતરી બાદ પરિવારજનોએ મૃતદેહો સ્વીકારતાં રાહતની લાગણી

માંગરોળ, તા.૨
માગરોળ માનખેત્રા ગામે ભલભલાના કાળજા કંપાવી નાખે તેવો એક જ પરિવારના ત્રણ ફૂલ જેવા બાળકો અને માતાને બેેરહેમી પૂર્વક રહેશી નાખતા ચોમેર ફટકાર વરસી રહ્યો છે. પોલીસની ખાતરી બાદ મૃતક મહિલાના પરિવારે આખરે મૃતદેહ સ્વીકારતા પોલીસે રાહત અનુભવી છે. ધારાસભ્ય બાબુભાઈ વાજા, સાસંદ રાજેશ ચુડાસમા, વાલભાઈ ખેર, મૉ.હુશેન ઝાલા, પાલિકાપ્રમુખ મનીષ ગૉહેલ, રામભાઈ કરમટા, જેન્તીભાઈ ચાન્પા, માઘાભાઈ બોરીચા સહિતના ભાજપ-કૉંગ્રેસના નેતાઓ અને દલિત આગેવાનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને પોલીસને વહેલી તકે હત્યારાને પકડી કડકમાં કડક સજા કરવા અનુરોધ કર્યો હતો. હાલ પરિવારજનો અંતિમવિધિ કરવા રવાના થયા છે. પોલીસે વિવિધ ટીમો બનાવી હત્યાના આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.