(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧૩
માંગરોળ તાલુકાના પાતલદેવી ગામે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્રવહન સિંચાઈ યોજનાની કામગીરીના પ્રારંભ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન વનમંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ થાય તે અગાઉ માંગરોળ અને ઉમરપાડા તાલુકાના કેટલાક યુવક કોંગ્રેસના કાર્યકરો વિવિધ બેનરો અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર સાથે સભામંડપમાં ઘૂસી જઈ સહેજ તરફ પ્રયાણ કરી રહ્યાનો બનાવ બન્યો હતો. જો કે ફરજ ઉપરના પોલીસ અધિકારીઓએ આ યુવકોની અટક કરી, કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી માંગરોળ પોલીસ મથકે રાખ્યા હતા. આ બનાવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવના ગણતરીના કલાકોમાં માંગરોળના પીએસઆઈ એસ.એલ.વસાવાનો રાજકીય ભોગ ગણાય એ રીતે એકાએક બદલી કરી નાખવામાં આવતા પોલીસ બેડામાં અને તાલુકાની પ્રજામાં ખળભળાટ મચી જવા પામ્યો છે તો બીજી તરફ તાલુકાના જાગૃત્ત નાગરિકો-વિદ્યાર્થીઓ-ખેડૂત આગેવાનો દ્વારા, માંગરોળના મામલતદારને એક આવેદનપત્ર પેશ કરવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, આ નવયુવાન પીએસઆઈ એસ.એલ.વસાવા બાહોશ પ્રમાણિક અને પ્રજાના સેવાભાવિ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. હજુ એમને માત્ર ૧૧ માસ થયા છે. આ ૧૧ માસના શાસનમાં એમણે તમામ પ્રજાજનો સાથે અધિકારીને સાજે તે પ્રકારનો વ્યવહાર કર્યો છે. તટસ્થ તપાસની સાથે, ન્યાય મળે તે એ રીતે ફરજ બજાવી છે. કોઈને અન્યાય કર્યો હોય એવો કોઈ બનાવ બન્યો નથી. ઉપરોક્ત કાર્યક્રમના યુવક કોંગ્રેસમાં કાર્યકરોએ રોજગારીની માગણી કરતા સૂત્રો ઉચ્ચાર્યા હતા. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, મંત્રીએ ખોટી રીતે અથવા ગેરસમજથી બદલી કરવાનો પ્રયાસ કર્યો છે. જે આ એક બાહોશ અને પ્રમાણિક અધિકારીને અન્યાય કરાયો છે. એમના શાસનમાં તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી બરાબર જળવાઈ રહી છે. એમની બદલી પછી આ સામે એક પ્રશ્નાર્થ ઊભો થવાની વકી છે. તમામ સમાજ અને પ્રજાને ન્યાય આપવાવાળા પીએસઆઈ એસ.એલ.વસાવાને અન્યાય થાય એમ હોય એમની બદલી રદ કરી પુનઃ માંગરોળ પોલીસ મથકે રાખવામાં આવે એવી માંગ આવેદનપત્રના અંતમાં કરવામાં આવી છે.