માંગરોળ, તા.૫
અરબી સમુદ્રમાં સર્જાયેલા ઓખી વાવાઝોડાની અસર સ્વરૂપે ગઈકાલે સવારથી જ માંગરોળમાં વાતાવરણ ટાઢુબોળ અને વાદળછાયું થઈ ગયું હતું. માંગરોળમાં આજે સવારથી ઠંડીના ચમકારા સાથે વરસાદના છાંટા પણ પડતા લોકો પણ અવઢવમાં પડી ગયા હતા કે, રેઈનકોટ પહેરવું કે સ્વેટર ! આખો દિવસ ઠંડીના કારણે માંગરોળ હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયો હતો. માંગરોળ તાલુકામાં કમોસમી વરસાદથી ઘાસચારો અને શિયાળુ પાકોમાં નુકસાન થતાં જગતનો તાત પણ ચિંતામાં મુકાઈ ગયા છે. સમગ્ર તાલુકામાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. માંગરોળ તાલુકામાં હાલમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પડેલ પશુઓ માટેના ઘાસચારામાં ભારે નુકસાન થયો છે તેમજ ચણા, ધાણા, ઘઉં, જીરૂ, લસણ સહિતનું શિયાળુ વાવેતર ખેડૂતોએ કરે છે. જે ખેતપેદાશોમાં પણ નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ઓખી ચક્રાવાતના કારણે માંગરોળના સાગર ખેડૂ પણ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. માંગરોળનો દરિયો પણ ગાંડોતુર બન્યો હતો. સમુદ્રમાં ભારે તુફાનના કારણે આજે જખૌ નજીક દરિયામાં માંગરોળની એક ‘નાવીક દીપ’ નામની બોટ દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી. આ બોટમાં સવાર સાત ખલાસીઓને ‘સોમનાથ કૃપા’ નામની બોટ દ્વારા સલામત રીતે બચાવી લીધા હતા. આજે જખૌ નજીક દરિયામાં ડૂબી જતાં બોટ માલકીન ચંદનબેન ચોરવાડીને લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. માંગરોળની ૧૨૦૦ બોટો પરત ફરી છે. જેના કારણે ગોદી ખચોખચ ભરાઇ ગઇ છે જ્યારે હજુ ૧૦૦થી વધુ બોટો દરિયામાં તુફાનમાં ઝઝૂમી રહી હોવાનું જાણવા મળે છે. તંત્રએ પણ એલર્ટ જાહેર કરી સલામતીના પગલાં હાથ ધર્યા છે. જેના ભાગરૂપે માંગરોળ બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે તેમજ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચન કરવામાં આવ્યું છે.