માગરોળ, તા.રર
માંગરોળ તાલુકાના ગીજરમ ગામે આવેલ ધી ગીજરમ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડમાં છેલ્લા ઘણા લબા સમયથી વહીવટના પ્રશ્ન સહિતના વિવાદો ઊભા થઈ રહ્યા છે.
થોડા સમય અગાઉ કાર્યરત વ્યવસ્થાપક સમિતિ કે જેની મુદ્દત હજુ બે વર્ષ બાકી છે છતાં આ કમિટીને દૂર કરી સુરત, જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા મંડળીના વહીવટદાર તરીકે એન.જી. બારડની નિમણૂક કરી હતી. આ વહીવટદારે ગત તા.૩-૧૦-૧૭ના જિલ્લા રજિસ્ટ્રારને એક પત્ર પાઠવી જણાવ્યુંં કે મને આંખમાં મોતિયાની તકલીફ હોય, મંડળીના સ્થળે આવવા જવામાં તકલીફ પડી રહી છે. જેથી મને વહીવટદારની કામગીરીમાંથી મુક્ત કરવા નમ્ર અરજ છે. ત્યારબાદ જિલ્લમ રજિસ્ટ્રારે પોતાની કચેરીના તા.૮-૧૧-૧૭ના હુકમમાં જણાવ્યું કે મંડળીનો વહીવટ સરળતાથી અને પેટાકાયદામાં જણાવેલ ઉદ્દેશ મુજબ થાય તે માટે ગામના ત્રણ માણસોની કમિટીને દૂધ મંડળીના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવે છે. જેમાં જગદીશ મોહન વસાવા (સભ્ય સચિવ) અબ્દુલ મોહમ્મદ કડીવાલા અને રમેશ ગુલાબ વસાવા આ બંનેની સભ્ય તરીકે નિમણૂક કરતા પત્રોથી જાણ કરાઈ હતી. આ પત્રો ઉપરોક્ત સભ્યોને મળતા એમણે ત્વરિત દૂધ મંડળીનું બેંક ખાતું જે સુરત ડી.કો.ઓ.બેંક લિ. માંંગરોળ શાખામાં કાર્યરત છે. એમાં ફેરફાર કરાવવાની કાર્યવાહી કરી હતી. પરંતુ આ ત્રણ સભ્યોની વહીવટદાર કમિટી મંડળીના સત્તાના સૂત્રો પોતાના હાથમાં વેઈએ પહેલાં જ જિલ્લા રજિસ્ટ્રારની કચેરીએ પોતાની કચેરીના તા.૧૩-૧૧-૧૭ના હુકમથી જણાવ્યું કે ક્રમાંક ૩ની જોગવાઈ મુજબ પ્રાપ્ત થયેલ સત્તા અન્વયે પ્રસ્તાવમાં જણાવેલ વિગતે ધી ગીજરમ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.માં જિલ્લા રજિસ્ટ્રારની કચેરીના અધિકારી આર.પી. કાનાણીથી ગીજરમ દૂધ મંડળીના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવે છે.
આમ વારંવાર આ મંડળીમાં સુરત, જિલ્લા રજિસ્ટ્રાર એચ.સી.ચૌધરી દ્વારા ફેરફારો કરાતા સભાસદોમાં મંડળીના વહીવટ પ્રશ્ને શંકા-કુશંકા ઊભી થવા પામી છે.
વળી અગાઉના વહીવટદાર શ્રી બારડે આ દૂધ મંડળીનું ઓડીટ કરાવ્યું છે અને ઓડીટ વિભાગે મંડળીને ‘અ’ વર્ગ આપ્યો છે. સાથે જે ઓડિટરે મંડળીના તત્કાલિન ઉપપ્રમુખ સફીયા બેન કડીવાલાના નામે ૧ લાખ ૯૦ હજાર રૂપિયા મંડળીમાં અનામત પેટે જમા બોલે છે. તે પુરવાર કર્યું છે. નિયમ મુજબ જે સહકારી સંસ્થા ‘અ’ વર્ગ પ્રાપ્ત કરતી હોય ત્યાં વહીવટદારની નિમણૂક કરી શકાતી નથી. ત્યારે સુરત જિલ્લા રજિસ્ટ્રાર આ મંડળીનો વહીવટ વ્યસ્થિત રીતે ચાલે એ માટે અગાઉ બરખાસ્ત કરાયેલ કમિટી કે જેને હજુ બે વર્ષ બાકી છે એને જ વહીવટ સુપ્રત કરે એ જરૂરી છે.