માંગરોળ, તા.૧૦
માંગરોળમાં ૨૪ કલાકમાં ૩ ઇંચ અને ઉમરપાડામાં ૨૪ કલાકમાં ૧૬ ઇંચ વરસાદ પડતાં નદી, નાળા, તળાવો જળ બમ્બાકાર થયા છે જ્યારે વાંકલ, કોસાડી વગેરે ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેમાં વાંકલમાં એક મકાન ધરાશાયી થયું છે. અત્રેની ભૂખી અને કીમ નદી બંને કાંઠે વહેલા લાગી છે.
ગઈકાલે મોડી રાતથી માંગરોળ અને ઉમરાપાડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં, નદી, નાળા, અને તળાવો છલોછલ ભરાયા છે.
ગઈ કાલે રાતથી આજે સવારે ૬ વાગ્યા સુધીમાં, માંગરોળ તાલુકામાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે, જયારે ઉમરપાડા વિસ્તારમાં ૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે, વ્યાપક વરસાદને પગલે વાંકલ, માંગરોળ, કોસાડી સહિતનાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ઘુસી ગયા હતા, વાંકાલ ગામે એક કાચું મકાન તૂટી જવા પામ્યું છે. માંગરોળ થી વાલીયા જતાં રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલ મેરા બ્રિજ ખાતે થોડે જ નીચેથી પાણી ખૂબ સ્પીડમાં પસાર થઈ રહ્યું હતું, જો કે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં કોઈ જાનહાનિનાં સમાચાર પ્રાપ્ત થયા નથી. જો કે આ પ્રશ્નને માંગરોળના મામલતદાર મંગુભાઈ વસાવાને પૂછતાં એમણે કહ્યું કે માંગરોળ તાલુકામાં આ વરસાદથી હાલમાં કોઈ નુકશાની કે જાનહાનિના કોઈ સમાચાર તલાટી કે સરપંચ તરફથી મળ્યા નથી, માંગરોળ તાલુકામાં ચાલુ સિઝનનો કુલ વરસાદ ૧૦૫ ઇંચ અને ઉમરપાડામાં કુલ વરસાદ ૧૪૦ ઇંચ ઉપર પહોંચ્યો છે, જે ગત વર્ષ કરતાં વધુ છે. જો કે વ્યાપક વરસાદને પગલે બન્ને તાલુકાનાં કેટલાક માર્ગો ધોવાઈ જવા પામ્યા છે તો કેટલાક માર્ગો ઉપર ખાડા પડી જવા પામ્યા છે.